(Source: ECI/ABP News/ABP Majha)
Ben Stokes Record: ન્યૂઝિલેન્ડમાં બેન સ્ટોક્સે રચ્યો ઇતિહાસ, વન-ડેમાં ઈંગ્લેન્ડ માટે બનાવ્યો સર્વોચ્ચ સ્કોર
Ben Stokes Record: ઈંગ્લેન્ડ માટે વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બેન સ્ટોક્સના નામે નોંધાઈ ગયો છે.
Ben Stokes Record: ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 4 મેચની વન-ટે સીરિઝની ત્રીજી મેચમાં ઇગ્લેન્ડના બેટ્સમેન બેન સ્ટોક્સે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તાજેતરમાં જ વન-ડેની નિવૃત્તિમાંથી પરત ફરેલા સ્ટોક્સે 6 વર્ષ બાદ વન-ડે ફોર્મેટમાં સદી ફટકારી હતી. આ મેચમાં સ્ટોક્સની આક્રમક બેટિંગ જોવા મળી હતી અને તેણે માત્ર 76 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જો કે તે બેવડી સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો, પરંતુ ઈંગ્લેન્ડ માટે વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે તેના નામે નોંધાઈ ગયો છે.
આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા જ બોલ પર ઇગ્લેન્ડે જોની બેયરસ્ટોની વિકેટ ગુમાવી હતી. આ પછી 13ના સ્કોર પર બોલ્ટે જો રૂટના રૂપમાં ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો.
બેન સ્ટોક્સે ડેવિડ મલાન સાથે મળીને ઈંગ્લેન્ડની ઈનિંગ્સને સંભાળી હતી અને પ્રથમ 10 ઓવરમાં સ્કોર 55 રન સુધી પહોંચાડ્યો હતો. આ પછી સ્ટોક્સે એક છેડેથી ઝડપી રન બનાવવાનું ચાલુ રાખ્યું. સ્ટોક્સે મલાન સાથે ત્રીજી વિકેટ માટે 199 રનની ભાગીદારી કરી હતી. મલાન આ મેચમાં 95 બોલમાં 96 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
સ્ટોક્સે જેસન રોયનો રેકોર્ડ તોડ્યો હતો
ડેવિડ મલાન પેવેલિયન પરત ફર્યા બાદ બેન સ્ટોક્સને કેપ્ટન જોસ બટલરનો ટેકો મળ્યો હતો અને આ બંનેએ ન્યૂઝીલેન્ડના બોલરોને વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. સ્ટોક્સે આ મેચમાં 124 બોલમાં 182 રનની ઇનિંગ રમી હતી. આ સાથે સ્ટોક્સે જેસન રોયનો 180 રનનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ 48.1 ઓવરમાં 368 રન બનાવી ઓલઆઉટ થઇ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.
14 મહિના પછી વાપસી કરી
બેન સ્ટોક્સ લગભગ 14 મહિના બાદ વન-ડે ક્રિકેટમાં પરત ફર્યો છે. પોતાના વર્કલોડને મેનેજ કરવા માટે તેણે ગયા વર્ષે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમનો કેપ્ટન છે અને ટી20 ક્રિકેટ પણ રમે છે. જો કે, ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમ અને વન-ડે કેપ્ટન જોસ બટલરના આગ્રહ પર સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી દ્વારા વન-ડે ક્રિકેટમાં વાપસી કરી હતી.