AUS vs AFG: 'તે કેચ છૂટવો મેચનો ટર્નિંગ પૉઇન્ટ હતો', અફઘાન કેપ્ટન શાહિદીએ બતાવ્યુ હારનું કારણ
એક સમયે જોરદાર જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગતી અફઘાન ટીમ ગ્લેન મેક્સવેલના તોફાનમાં એવી ફસાઈ ગઈ કે તે વાપસી પણ ના કરી શકી.
Hashmatullah Shahidi on Afghanistan Defeat: અફઘાનિસ્તાન ટીમને મંગળવારે (7 નવેમ્બર) વર્લ્ડકપ 2023ની મેચમાં અણધારી હારનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે જોરદાર જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગતી અફઘાન ટીમ ગ્લેન મેક્સવેલના તોફાનમાં એવી ફસાઈ ગઈ કે તે વાપસી પણ ના કરી શકી. એક સમયે 91 રનમાં 7 વિકેટ ગુમાવી ચૂકેલી કાંગારૂ ટીમે મેક્સવેલ અને કમિન્સની બેવડી સદીની અણનમ ભાગીદારીના કારણે 293 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. અહીં અફઘાનિસ્તાને નબળી ફિલ્ડિંગનો માર સહન કરવો પડ્યો હતો. મેચ બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ પણ આ જ વાતનો હવે ખુદ ઉલ્લેખ કર્યો હતો. કેપ્ટને હાર માટે મોટા કારણનો ખુલાસો કર્યો છે.
શાહિદીએ કહ્યું, 'તે ખૂબ જ નિરાશાજનક મેચ હતી. તે અમારા માટે અવિશ્વસનીય હતું. અમે મેચમાં હતા. અમારા બૉલરોએ ખૂબ જ સારી શરૂઆત કરી હતી. પરંતુ અમે ચૂકી ગયેલી તકોએ અમને નુકસાન પહોંચાડ્યું. અમે કેટલીક સારી તક ગુમાવી અને પછી મેક્સવેલ અટક્યો નહીં. આ માટે શ્રેય તેને જાય છે. મને લાગે છે કે કેચ ગુમાવવો એ ટર્નિંગ પૉઈન્ટ હતો. જે બાદ તેણે ખરેખર શાનદાર રમત બતાવી. તેમની પાસે તમામ પ્રકારના શૉટ હતા અને પછી તેઓએ અમને કોઈ તક આપી ન હતી.
શાહિદીએ આ દરમિયાન તેની ટીમના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, 'અમને અમારા બૉલરો પર ગર્વ છે. તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. ટીમ આજે રાત્રે ચોક્કસપણે નિરાશ છે પરંતુ તે રમતનો એક ભાગ છે. હવે અમે સાઉથ આફ્રિકા સામેની આગામી મેચમાં ફરીથી પૂરી તાકાત સાથે ઉતરીશું. ઈબ્રાહિમ ઝદરાનને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તે વર્લ્ડકપમાં સદી ફટકારનાર પ્રથમ અફઘાન ખેલાડી છે.
મેક્સવલની ડબલ સેન્ચૂરી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 5 વિકેટ ગુમાવીને 291 રનનો સારો સ્કૉર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 91 રનમાં પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ગ્લેન મેક્સવેલ (201) અને પેટ કમિન્સ (12)એ 202 રનની અણનમ ભાગીદારી કરી અને ઓસ્ટ્રેલિયાને જીત તરફ દોરી ગયું. તમને જણાવી દઈએ કે અફઘાન ખેલાડી મુજીબે મેક્સવેલનો ખૂબ જ આસાન કેચ લીધો હતો. ત્યારે મેક્સવેલ માત્ર 33 રનના સ્કોર પર હતો.