ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેનો ભવિષ્યનો કાર્યક્રમ જાહેર કર્યો છે અને આ વખતે કાર્યક્રમમાં ઘણી બધી આંતરરાષ્ટ્રીય મેચો રાખવામાં આવી છે.
ICC future program schedule 2023 to 2027 cycle: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેનો ભવિષ્યનો કાર્યક્રમ જાહેર કર્યો છે અને આ વખતે કાર્યક્રમમાં ઘણી બધી આંતરરાષ્ટ્રીય મેચો રાખવામાં આવી છે. વર્ષ 2023 થી 2027 માટે જાહેર કરાયેલા પ્લાનમાં ભારતીય ટીમ 138 દ્વિપક્ષીય મેચ રમશે, જ્યારે આ સિવાય ICC ઈવેન્ટ્સની મેચો પણ સામેલ છે.
ICC દ્વારા બહાર પાડવામાં આવેલ ભવિષ્યના આ પ્લાનમાં 12 સ્થાયી દેશોની મેચોની જાહેરાત કરવામાં આવી છે. 2023 થી 2027 સુધી કુલ 777 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. જેમાં 173 ટેસ્ટ મેચ, 281 ODI અને 323 T20 મેચોનો સમાવેશ થાય છે. 2022 માં સમાપ્ત થઈ રહેલા ICCના ક્રિકેટ મેચ કાર્યક્રમમાં કુલ 694 મેચો રમાઈ હતી.
આવું હશે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલઃ
જો ટીમ ઈન્ડિયાના શેડ્યૂલની વાત કરીએ તો આ સમગ્ર ટાઈમલાઈનમાં ભારત 38 ટેસ્ટ મેચ, 39 ODI અને 61 T20 મેચ રમશે. ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ ધ્યાન ટી-20 ક્રિકેટ રમવા પર છે, જ્યારે વનડેમાં સૌથી વધુ મેચ ત્રિકોણીય સિરીઝમાં થશે. ખાસ વાત એ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હવે 4ને બદલે 5 ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ શેડ્યૂલ દરમિયાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે 5-5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે, જ્યારે ટી-20 સિરીઝ પણ રમાશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ભવિષ્યની મેચોના આયોજનમાં આ વખતે વધુ મેચો થઈ રહી છે, જો તમે ICCના સંપૂર્ણ શેડ્યૂલ પર નજર નાખો તો આ વખતે 2019-23ના શેડ્યૂલ કરતાં ઘણી વધુ મેચો રાખવામાં આવી છે. 2019-23 વચ્ચે 151 ટેસ્ટ, 241 ODI અને 301 T20 રમાઈ છે. જ્યારે 2023-27 વચ્ચે 173 ટેસ્ટ, 281 ODI અને 326 T20 મેચ રમાશે. આ તમામમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025, 2027નો સમાવેશ થાય છે.
જો આપણે ટીમો પર નજર કરીએ તો, 2023-27 વચ્ચે બાંગ્લાદેશ સૌથી વધુ મેચ રમશે જે 150 હશે, ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ 147 મેચ, ઈંગ્લેન્ડ 142 મેચ, ભારત 141 મેચ, ન્યુઝીલેન્ડ 135 મેચ, ઓસ્ટ્રેલિયા 132 મેચ. ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ 43, ઓસ્ટ્રેલિયા 40 અને ભારત 38 મેચ રમશે. બાંગ્લાદેશ 59, શ્રીલંકા 52 અને આયર્લેન્ડ 51 જેવી ટીમો વનડેમાં ટોચ પર છે, ભારત 42 વનડે રમશે. ટી20માં વેસ્ટ ઈન્ડિઝ 73, ભારત 61 અને બાંગ્લાદેશ 57 ટી20 મેચ રમશે અને આ ત્રણેય ટીમ ટોપ પર છે.