PAK vs AUS, Match Highlights: મેથ્યુ વેડે 19મી ઓવરના છેલ્લા ત્રણ બોલમાં ત્રણ સિક્સ ફટકારી પાકિસ્તાનની ટીમને કરી દીધી ચિત્ત
ટી-20 વર્લ્ડકપમાં બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
દુબઇઃ ટી-20 વર્લ્ડકપમાં બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન પાસેથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન સરળતાથી મેચ જીતી લેશે પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આક્રમક દેખાવ કરીને ટીમને જીત અપાવી હતી. 177 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 177 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની જીતનો હિરો મેથ્યુ વેડ રહ્યો હતો. મેથ્યુ વેડને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. મેથ્યુ વેડ અને સ્ટોઇનિસે છઠ્ઠી વિકેટ માટે અણનમ 81 રનની ભાગીદારી નોંધાવી હતી.
મેથ્યુ વેડે મેચની અંતિમ ઓવરોમાં 17 બોલમાં ચાર સિક્સ અને બે ચોગ્ગા સાથે આક્રમક અણનમ 41 રન ફટકાર્યા હતા. સ્ટોઇનિસે તેને સાથ આપતા 31 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ 105 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી છે. ડેવિડ વોર્નર 49, એરોન ફિંચ 0, મિચેલ માર્શ 28, સ્મિથ 5, મેક્સવેલ 7 રન બનાવી આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી, હસન અલી, મોહમ્મદ હફિઝ એક-એક વિકેટ ઝડપી હતી. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ સામે ટકરાશે.
આ અગાઉ પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન ઓપનર મોહમ્મદ રિઝવાને 67 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. ફખર ઝમાને 32 બોલમાં અણનમ 55 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને એકવાર ફરી પાકિસ્તાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. બાબરે 39 રન બનાવી આઉટ થયો હતો. ફખર ઝમાને આજે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 31 બોલમાં અડધી સદી પુરી કરી હતી. આસિફ અલી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. મલિક પણ એક રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે બે જ્યારે કમિન્સ અને ઝમ્પાએ એક-એક વિકેટ ઝડપી હતી.