Women's T20 WC: મહિલા ટી20 વર્લ્ડ કપ 'ટીમ ઓફ ટૂર્નામેન્ટ'ની જાહેરાત, જાણો ક્યાં ખેલાડીઓને મળ્યું સ્થાન
આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઈનલ 26 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાઈ હતી.
Women's T20 World Cup 2023, Team Of Tournament: આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઈનલ 26 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાઈ હતી. આ ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન ટીમને 19 રને હરાવ્યું હતું. આ દરમિયાન કાંગારૂ ટીમ ઓવરઓલ છઠ્ઠો અને સતત ત્રીજો T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. મેચ પછી, ટુર્નામેન્ટની મોસ્ટ વેલ્યુએબલ ટીમ એટલે કે ટુર્નામેન્ટની ટીમ જાહેર કરવામાં આવી. આ ટીમમાં ભારતની વિકેટકીપર બેટર ઋચા ઘોષને સ્થાન મળ્યું છે.
ઋચા ઘોષ ટીમ સાથે જોડાય છે
ICCની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ભારતની ઉભરતી વિકેટ કીપર બેટર ઋચા ઘોષને સામેલ કરવામાં આવી છે. ઋચા ઘોષે આ વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. બેટ સિવાય તેણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન વિકેટકીપિંગમાં પણ કમાલ કરી હતી. ઋચા ટૂર્નામેન્ટમાં 136 રન બનાવવામાં સફળ રહી હતી. તેણે આ રન માત્ર 68 બોલમાં 130.76ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા. આ સિવાય તેણે વિકેટ પાછળ સાત શિકાર કર્યા. ઋચા ઘોષે 5 કેચ લેવા ઉપરાંત 2 સ્ટમ્પિંગ કર્યા હતા. તે ભારત તરફથી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સામેલ એકમાત્ર મહિલા ક્રિકેટર છે.
ટીમ ઓફ ટૂર્નામેન્ટ પ્લેઈંગ XI
ICC ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવનાર ખેલાડીઓના નામ આ પ્રમાણે છે. તાજમિન બ્રિટ્સ સાઉથ આફ્રિકા 186 રન, એલિસા હીલી (વિકેટકીપર) ઓસ્ટ્રેલિયા 189 રન, લૌરા વોલ્વાર્ટ સાઉથ આફ્રિકા 230 રન, નેટ સિવર બ્રન્ટ (કેપ્ટન) ઈંગ્લેન્ડ 216 રન, એશ્લે ગાર્ડનર ઓસ્ટ્રેલિયા 110 રન અને 10 વિકેટ, ઋચા ઘોષ ઈન્ડિયા 136 રન, સોફી ઈક્લસ્ટોન ઈંગ્લેન્ડ 11 વિકેટ, કરિશ્મા રામહરક વેસ્ટ ઈન્ડિઝ 5 વિકેટ, શબનિમ ઈસ્માઈલ સાઉથ આફ્રિકા 8 વિકેટ, ડાર્સી બ્રાઉન ઓસ્ટ્રેલિયા 7 વિકેટ, મેગન શૂટ ઓસ્ટ્રેલિયા 10 વિકેટ. આ સાથે જ ટીમમાં 12મા ખેલાડી તરીકે આયર્લેન્ડની ઓર્લા પ્રેન્ડરગૈસ્ટ સામેલ છે. જેણે મહિલા T20 વર્લ્ડ કપ 2023માં 109 રન બનાવવા ઉપરાંત 3 વિકેટ લીધી હતી.