(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG: વર્લ્ડકપમાં ઇગ્લેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યા રમશે કે નહી? જાણો શું છે લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો
Hardik Pandya Recovery Update: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ રમી શક્યો ન હતો. હવે આગામી વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાની વાપસીને લઈને નવું અપડેટ સામે આવ્યુ છે.
આ અપડેટ મુજબ, હાર્દિક પંડ્યા 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની આગામી મેચમાં રમી શકશે નહીં. બીસીસીઆઇના એક અધિકારીને ટાંકીને રિપોર્ટ જાહેર કરાયો હતો. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે, પરંતુ BCCI આ મેચ વિજેતા ખેલાડીના મામલે કોઈ ઉતાવળ કરવા માંગતું નથી.
બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 'હાર્દિક કદાચ લખનઉમા ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમી શકશે નહીં. તેની ઈજા ગંભીર નથી. સાવચેતીના પગલારૂપે જ તેને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે.
ટીમ ઈન્ડિયા જોખમ લેવાનું ટાળશે
ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેની તમામ પાંચ મેચ જીતી છે. દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી મોટી ટીમોને પણ હરાવી છે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને સેમિફાઈનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા હવે આગામી મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેની ચારમાંથી ત્રણ મેચ હારી ચૂક્યું છે. ટીમ ઈન્ડિયાની સ્થિતિ ઈંગ્લેન્ડ સામે ઘણી મજબૂત દેખાઈ રહી છે. આ જ કારણ છે કે ભારતીય ટીમ આ મેચમાં કોઈ બિનજરૂરી જોખમ લેવા માંગશે નહીં.
ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023ની છઠ્ઠી મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 29 ઓક્ટોબર, રવિવારે લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. ટીમ ઈન્ડિયા બે દિવસના વિરામ બાદ ધર્મશાળાથી લખનઉ જશે. આગામી મેચ લખનઉમાં રમાશે, જ્યાં સ્પિનરોને ખુબ મદદ મળે છે. આવી સ્થિતિમાં અશ્વિનનું રમવું લગભગ નક્કી છે. જો હાર્દિક ફિટ થઈ જશે તો તે સૂર્યકુમાર યાદવની જગ્યાએ બેટ્સમેન તરીકે રમી શકે છે. ટીમ ઈન્ડિયા લખનઉની પિચ પર ત્રણ સ્પિનરો સાથે રમવા ઉતરી શકે છે.