Ind Vs Eng: જેમી સ્મિથે તોડ્યો 128 વર્ષ જૂનો રેકોર્ડ, ઈગ્લેન્ડ માટે ટેસ્ટમાં લખ્યો નવો ઈતિહાસ
આ પહેલા ઈંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં ભારતના 587 રનના જવાબમાં 407 રન કર્યા હતા.

બર્મિંગહામ: ટીમ ઈન્ડિયાએ બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઇનિંગમાં 1 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા હતા. આ પહેલા ઈંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં ભારતના 587 રનના જવાબમાં 407 રન કર્યા હતા. હેરી બ્રુક અને વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથે ઈંગ્લેન્ડને આ સ્કોર સુધી પહોંચાડવામાં ઘણું યોગદાન આપ્યું હતું. ખાસ કરીને જેમી સ્મિથે ઈંગ્લેન્ડ માટે ઈતિહાસ રચ્યો હતો.
સ્મિથ ઈંગ્લેન્ડની ઇનિંગના અંત સુધી અણનમ રહ્યો હતો. સાતમા નંબર પર બેટિંગ કરવા આવેલા જેમી સ્મિથે 207 બોલમાં 184 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 21 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ સાથે જેમી સ્મિથે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં 128 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. જેમી સ્મિથ હવે ઈંગ્લેન્ડ માટે સાતમા નંબર અથવા તેનાથી નીચે બેટિંગ કરતી વખતે સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે.
કે.એસ. રણજીતસિંહજીનો રેકોર્ડ તૂટ્યો
જેમી સ્મિથ પહેલા ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સાતમા કે તેથી નીચેના ક્રમે બેટિંગ કરતી વખતે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ કે.એસ. રણજીતસિંહજીના નામે હતો. તેમણે 1897માં ઓસ્ટ્રેલિયા સામે 175 રનની ઇનિંગ્સ રમી હતી, પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે. રણજીતસિંહજીનો આ રેકોર્ડ ઘણા દાયકાઓથી ટકી રહ્યો હતો. આ રીતે જેમી સ્મિથે હવે તેમનો રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ લખ્યો છે.
ભારત પાસે 244 રનની લીડ છે
બર્મિંગહામ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંત સુધીમાં ભારત પાસે 244 રનની લીડ હતી. બીજી ઇનિંગ્સમાં કેએલ રાહુલ 28 રન બનાવીને ટીમ ઇન્ડિયા માટે રમી રહ્યા હતા અને કરુણ નાયર 7 રન કર્યા રહ્યા હતા. ભારતને એકમાત્ર ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો. યશસ્વી જયસ્વાલ 22 બોલમાં 28 રન કરીને આઉટ થયા હતા. આવી સ્થિતિમાં હવે રમતના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા 1 વિકેટના નુકસાન પર 64 રન સાથે પોતાનો દાવ ચાલુ રાખશે.




















