(Source: ECI/ABP News/ABP Majha)
IND vs WI, Series Schedule: કોરોનાના કારણે BCCIએ કર્યો બદલાવ, હવે અમદાવાદમાં રમાશે 3 વનડે મેચ
બીસીસીઆઈ બોર્ડે શનિવારે ટ્વિટ કરી જાણકારી આપી કે ODI શ્રેણીની તમામ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને T-20 શ્રેણીની તમામ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
BCCIએ કોરોના મહામારીને કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝના શેડ્યૂલમાં ફેરફારો કર્યા છે. બીસીસીઆઈ બોર્ડે શનિવારે ટ્વિટ કરી જાણકારી આપી કે ODI શ્રેણીની તમામ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને T-20 શ્રેણીની તમામ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ODI અને T20 શ્રેણીમાં 3-3 મેચ રમાશે. બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ODI અને T20 શ્રેણીની કુલ છ મેચ છ અલગ-અલગ મેદાનો પર રમાવાની હતી. BCCIએ એક મજબૂત બાયો-બબલ બનાવવા માટે શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. આનાથી ખેલાડીઓ તેમજ મેચ અધિકારીઓ, બ્રોડકાસ્ટર્સ અને અન્ય હિતધારકોની સુરક્ષા સુનિશ્ચિત થશે.
ભારતીય ટીમના ODI અને T20 કેપ્ટન રોહિત શર્મા(Rohit sharma) અનફિટ હોવાના કારણે દક્ષિણ આફ્રિકા(South Africa) સામેની ટેસ્ટ અને ODI શ્રેણીમાં રમી શક્યો નથી. ODI શ્રેણીમાં તેના સ્થાને કેએલ રાહુલ કેપ્ટનશીપ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયા(Team India) ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી પાછળ છે. રોહિત વાપસી કરવાની સાથે સાથે ભારતીય ટીમને વિનિંગ ટ્રેક પર લાવશે. આ વિસ્ફોટક ઓપનરનું પુનરાગમન લગભગ નિશ્ચિત છે. જો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી કોઈ કારણસર સીરિઝમાંથી હટી નહીં જાય તો પ્રથમ વખત તે રોહિતની કેપ્ટનશીપમાં રમશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI રેકોર્ડ
ભારતીય ટીમે અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 21 વનડે સીરીઝ રમી છે. તેમાંથી 13 માં જીત મળી છે અને 8 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ 2002 થી તેમના હોમ ગ્રાઉન્ડ પર વિન્ડીઝ સામે એક પણ વનડે શ્રેણી હારી નથી. આ સાથે જ ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો છેલ્લી વખત 2006માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર સિરીઝ હારી હતી. 2006થી ટીમ ઈન્ડિયા વિન્ડીઝને સતત 10 શ્રેણીમાં હરાવવામાં સફળ રહી છે. રોહિત શર્મા તેની કેપ્ટનશીપ હેઠળ આ ક્રમને આગળ વધારવા માંગશે.
T-20માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં છ ટી-20 સિરીઝ રમાઈ છે. ભારતીય ટીમ ચાર અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે શ્રેણી જીતવામાં સફળ રહી છે. ટીમ ઈન્ડિયાએ વિન્ડીઝ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર બે વખત T20 સીરીઝ રમી છે અને બંને વાર તેને સફળતા મળી છે. તો બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી ચાર શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને બે જીત અને બે સીરીઝમાં હાર મળી છે.