સિરાજ-બુમરાહે વેસ્ટઈન્ડિઝને 162 પર રોક્યું, કેએલ રાહુલની અડધી સદી, આવો રહ્યો ટેસ્ટનો પ્રથમ દિવસ
પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 2 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા હજુ પણ પ્રથમ ઇનિંગમાં 41 રન પાછળ છે.

ind vs wi 1st test day 1 highlights : પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 2 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા હજુ પણ પ્રથમ ઇનિંગમાં 41 રન પાછળ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝ ફક્ત 162 રન જ બનાવી શક્યું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જસ્ટિન ગ્રીવ્સે સૌથી વધુ 32 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
આ મેચમાં, ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય મોંઘો સાબિત થયો. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહના શરૂઆતના સ્પેલથી કેરેબિયન બેટ્સમેનોમાં ખળભળાટ મચી ગયો. પહેલા ટૈગનરીન ચંદ્રપોલ પછી જોન કેમ્પબેલ અને થોડી જ વારમાં વેસ્ટ ઈન્ડિઝે માત્ર 42 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય બોલરો કહેર બનીને વેસ્ટઈન્ડિઝ પર તૂટી પડ્યા હતા.
શાય હોપ અને કેપ્ટન રોસ્ટન ચેસે 48 રનની ભાગીદારી કરીને ટીમને યોગ્ય સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી. શાય હોપે 26 અને રોસ્ટન ચેસે 24 રન બનાવ્યા હતા. આ દરમિયાન, જસ્ટિન ગ્રીવ્સની 32 રનની ઇનિંગે વેસ્ટ ઇન્ડીઝને 160 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી.
મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહએ ભારે તબાહી મચાવી
મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહએ મળીને પ્રથમ ઇનિંગમાં સાત વિકેટ લીધી. તેમણે પ્રથમ 12 ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝની ચાર વિકેટ પાડી દિધી. કુલદીપ યાદવે બે વિકેટ લીધી અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી. ભારતીય બોલરોએ વેસ્ટઈન્ડિઝ સામે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહે ઇનિંગ્સમાં ત્રણ વિકેટ લીધી, જેમાં બે શાનદાર યોર્કરનો પણ સમાવેશ થાય છે.
કેએલ રાહુલ 53 રન બનાવીને બેટિંગમાં
ત્યારબાદ કેએલ રાહુલ ટીમ ઇન્ડિયા માટે શાનદાર ઈનિંગ રમી. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે 68 રનની ઓપનિંગ ભાગીદારી કરી, પરંતુ જયસ્વાલ 36 રન બનાવીને આઉટ થયા. સાઈ સુદર્શનને ફરીથી ત્રીજા નંબરે તક આપવામાં આવી, પરંતુ આ વખતે પણ તે સફળતા મેળવી શક્યો નહીં. સુદર્શન ફક્ત સાત રન બનાવી શક્યો. પહેલા દિવસની રમતના અંત સુધીમાં શુભમન ગિલ અને કેએલ રાહુલે 31 રન બનાવી લીધા હતા. રાહુલ 53 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે ગિલે 18 રન બનાવ્યા હતા.



















