IND vs WI Day 1 highlights: વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસે જ ભારતના બોલરોનો રહ્યો દબદબો, અશ્વિનની પાંચ વિકેટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવાર (12 જુલાઈ)થી ડોમિનિકામાં બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ હતી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવાર (12 જુલાઈ)થી ડોમિનિકામાં બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ પણ આ સીરિઝ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 એડિશનમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ દાવમાં 150 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી દિવસના અંતે ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવ્યા. કેપ્ટન રોહિત શર્મા સાથે ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલ અણનમ છે. આ સાથે જ અનુભવી રવિચંદ્રન અશ્વિને બોલિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 33મી વખત તેણે એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે.
That's Stumps on Day 1 of the opening #WIvIND Test!#TeamIndia move to 80/0, with captain Rohit Sharma and Yashasvi Jaiswal making a fine start.
— BCCI (@BCCI) July 12, 2023
We will be back tomorrow for Day 2 action!
Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/aksOAvowGc
રોહિત-યશસ્વીએ અપાવી સારી શરૂઆત
રોહિત અને યશસ્વીએ ભારતને પ્રથમ દાવમાં સારી શરૂઆત અપાવી હતી. યશસ્વી 73 બોલમાં 40 રન બનાવીને અણનમ છે. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા છે. આ સાથે જ રોહિતે 65 બોલમાં 30 રન બનાવ્યા છે. તેણે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. ભારત પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝથી 70 રનથી પાછળ છે બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ મેચમાં પાછા ફરવા માટે સખત મહેનત કરવી પડશે.
આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા માટે બે ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. 21 વર્ષીય યશસ્વી જયસ્વાલ તેની પ્રથમ મેચ રમવા માટે ઉતરી હતી. તેને રોહિત શર્માએ ટેસ્ટ કેપ આપી હતી. આ સાથે જ ઈશાન કિશનને પ્રથમ વખત ટેસ્ટ રમવાની તક મળી હતી. તેને વિકેટકીપર કેએસ ભરતના સ્થાને પસંદ કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ ઈશાનને ટેસ્ટ કેપ સોંપી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલિક એથેનગે ડેબ્યૂ કર્યું હતું.
અશ્વિનની પાંચ વિકેટ
પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. તેની અડધી ટીમ 76 રનમાં પેવેલિયન પરત ફરી હતી. રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે 13મી ઓવરના પાંચમા બોલ પર તેજનારાયણ ચંદ્રપોલને આઉટ કર્યો હતો. ચંદ્રપોલ 44 બોલમાં 12 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. જે બાદ અશ્વિને કેપ્ટન ક્રેગ બ્રેથવેટને પેવેલિયન મોકલ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બ્રેથવેટનો કેચ પકડ્યો હતો. તે 46 બોલમાં માત્ર 20 રન જ બનાવી શક્યો હતો. આ પછી શાર્દુલ ઠાકુરે ટીમ ઈન્ડિયાને તેની પ્રથમ અને ઈનિંગની 20મી ઓવરમાં સફળતા અપાવી હતી. તેણે રેમોન રેફરને વિકેટકીપર ઈશાન કિશનના હાથે કેચ કરાવ્યો હતો. રેફર 18 બોલમાં માત્ર બે રન બનાવી શક્યો હતો. ટેસ્ટમાં ઈશાનનો આ પહેલો કેચ છે.
રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે જર્મેન બ્લેકવૂડને મોહમ્મદ સિરાજના હાથે કેચ કરાવ્યો. બ્લેકવૂડે 34 બોલમાં 14 રન બનાવ્યા હતા. સિરાજે ડાઇવિંગ દરમિયાન શાનદાર કેચ પકડ્યો હતો. બ્લેકવૂડ આઉટ થતાં જ લંચની જાહેરાત કરવામાં આવી. વેસ્ટ ઈન્ડિઝે ચાર વિકેટે 68 રન બનાવ્યા હતા. લંચ બાદ તરત જ વેસ્ટ ઇન્ડિઝને પાંચમો ઝટકો લાગ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ જોશુઆ ડી સિલ્વાને આઉટ કર્યો હતો. જોશુઆ 13 બોલમાં માત્ર બે રન બનાવી શક્યો હતો.
76 રનમાં પાંચ વિકેટ પડી ગયા બાદ એલિક એથેનેજ અને અનુભવી જેસન હોલ્ડરે ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ સાવચેતીપૂર્વક બેટિંગ કરી અને છઠ્ઠી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ સિરાજે ભારતને છઠ્ઠી સફળતા અપાવી. તેણે જેસન હોલ્ડરને શાર્દુલ ઠાકુરના હાથે કેચ કરાવીને આ ભાગીદારી તોડી હતી. હોલ્ડર 61 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને ભારતને સાતમી સફળતા અપાવી છે. તેણે અલઝારી જોસેફને જયદેવ ઉનડકટના હાથે કેચ કરાવ્યો. જોસેફે 11 બોલમાં ચાર રન બનાવ્યા હતા.
એલિક એથેનેઝ અડધી સદી ચુકી ગયો હતો. ડેબ્યૂ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. એથેનેઝ 99 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તેણે છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. ભારત તરફથી અશ્વિને પાંચ અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને એક-એક સફળતા મળી હતી.