(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ: કોહલીનો કમાલ, શમીની 5 વિકેટ, વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની સતત પાંચમી જીત
વિરાટ કોહલીના 95 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે.
IND vs NZ Match Report: વિરાટ કોહલીના 95 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. સતત પાંચમી જીત હાંસિલ કરીને ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ સાથે ભારતનું હવે સેમીફાઈનલમાં રમવું નિશ્ચિત છે. ભારતે મોહમ્મદ શમીની 5 વિકેટની મદદથી ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને 50 ઓવરમાં 273 રન પર રોકી દીધી હતી. આ લક્ષ્યને હાંસલ કરવા માટે રોહિત શર્માએ ફરી એકવાર 46 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતે બે ઓવર બાકી રહેતા 274 રન બનાવીને જીત મેળવી હતી. 5 વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
India 🇮🇳 make it FIVE in a row!
— BCCI (@BCCI) October 22, 2023
Ravindra Jadeja with the winning runs 🔥🔥
King Kohli 👑 reigns supreme in yet another run-chase for #TeamIndia 😎#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/d6pQU7DSra
ટીમ ઈન્ડિયાની સતત પાંચમી જીત
ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે 11.1 ઓવરમાં 71 રન ઉમેર્યા હતા. રોહિત શર્મા 40 બોલમાં 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સાથે જ ભારતને 76 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. શુભમન ગિલ 31 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 104 બોલમાં 95 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી લીધી હતી.
સારી શરૂઆત બાદ વિકેટો વહેલી પડી, પછી...
શ્રેયસ અય્યર 29 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ 4 બોલમાં 2 રન બનાવીને રનઆઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ઈનિંગને સંભાળી હતી. રવિન્દ્ર જાડેજા 44 બોલમાં 39 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ 78 રનની ભાગીદારી નોંધાવી હતી.
ન્યૂઝીલેન્ડ માટે લોકી ફર્ગ્યુસન સૌથી સફળ બોલર રહ્યો હતો. લોકી ફર્ગ્યુસનને 2 સફળતા મળી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ સેન્ટનર અને મેટ હેનરીને 1-1 સફળતા મળી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે શાનદાર સદી ફટકારી હતી
આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 273 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે ડેરિલે 127 બોલમાં 130 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સિવાય રચિન રવિન્દ્રએ 87 બોલમાં 75 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ન્યુઝીલેન્ડના 7 ખેલાડીઓ ડબલ ફિગરને પાર કરી શક્યા ન હતા.
મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ...
ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને 1-1 સફળતા મળી છે.
ભારતીય ટીમનું સેમીફાઈનલમાં પહોંચવું નિશ્ચિત છે
આ જીત પછી, ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. હવે ભારતીય ટીમના 5 મેચમાં 10 પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે. ન્યૂઝીલેન્ડને ટૂર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ કીવી ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે. ન્યુઝીલેન્ડના 5 મેચમાં 8 પોઈન્ટ છે. ભારત અને ન્યુઝીલેન્ડ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ટોપ-5માં છે. દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનના અનુક્રમે 6, 4 અને 4 પોઈન્ટ છે.