Test cricket: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોઇને નથી મળી ભારત જેવી હાર, ઈગ્લેન્ડમાં બન્યા અનેક શરમજનક રેકોર્ડ
Test cricket: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ લીડ્સમાં રમાઈ હતી.

Test cricket: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ લીડ્સમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પોતાની પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 465 રન બનાવવામાં સફળ રહી. ભારતીય ટીમે પોતાની બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા અને જીત માટે 371 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડે ફક્ત 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
England win the opening Test by 5 wickets in Headingley#TeamIndia will aim to bounce back in the 2nd Test
— BCCI (@BCCI) June 24, 2025
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/9YcrXACbHn
આ મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી કુલ 5 સદી જોવા મળી હતી. ઋષભ પંતે બંને ઇનિંગમાં સદી ફટકારી હતી. કેએલ રાહુલ, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પણ સદી ફટકારી હતી. તેમ છતાં ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમ 5 સદી ફટકાર્યા પછી પણ ટેસ્ટ મેચ હારી ગઈ છે.
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં આ બીજી વાર છે જ્યારે ટીમ ઇન્ડિયા 350 પ્લસના રનના લક્ષ્યાંકનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે. આ પહેલા 2022માં ટીમ ઈન્ડિયા સાથે આવું બન્યું હતું. ત્યારે પણ ઈંગ્લેન્ડની ટીમ આગળ હતી અને તેણે 378 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.
બેન ડકેટ અને જેક ક્રોલી આ મેચમાં ઈંગ્લેન્ડની જીતના હીરો હતા. છેલ્લી ઇનિંગમાં આ બંને ખેલાડીઓ વચ્ચે પહેલી વિકેટ માટે 188 રનની ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ ક્રિકેટના ચોથા ઇનિંગમાં આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી હતી. અગાઉ ભારત સામે ચોથા ઇનિંગમાં કોઈ પણ ઓપનિંગ જોડી 150 રનના આંકડાને સ્પર્શી શકી ન હતી.
છેલ્લી 9 ટેસ્ટમાં આ ભારતનો 7મો પરાજય છે. ટીમ ઈન્ડિયા ફક્ત 1 મેચ જીતી શકી છે અને 1 મેચ ડ્રો રહી હતી. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આ એકમાત્ર વિજય મળ્યો હતો. ત્યારે ટીમની કેપ્ટનશીપ જસપ્રીત બુમરાહના હાથમાં હતી.
ભારતની હારનું એક મુખ્ય કારણ નીચલા ક્રમની બેટિંગની નિષ્ફળતા હતી. પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ એક સમયે ફક્ત 3 વિકેટ ગુમાવીને 430 રન કર્યા હતા. આગામી 41 રનની અંદર ભારતીય ટીમે બાકીની 7 વિકેટ ગુમાવી દીધી. જ્યારે બીજી ઇનિંગ પણ નીચલો ક્રમ ખરાબ રીતે ફ્લોપ ગયો. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ એક સમયે 5 વિકેટ ગુમાવીને 333 રન બનાવ્યા હતા પરંતુ આગામી 31 રનમાં બાકીની 5 વિકેટ પણ પડી ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે માત્ર 72 રનમાં 13 વિકેટ ગુમાવી દીધી.




















