ટીમ ઈન્ડિયા માટે 'રવિવાર' જ અસલી વિલન? ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનું જોખમ તોળાઈ રહ્યું છે!
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલાં રવિવારનો ભય: શું ઇતિહાસ ફરીથી થશે?

Team India record in Sunday finals: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ 9 માર્ચે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ટીમ ઈન્ડિયાને ખિતાબ જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. આમ છતાં, એક અણધાર્યો પડકાર ટીમ ઈન્ડિયાની રાહ જોઈ રહ્યો છે અને તે પડકારનું નામ છે - રવિવાર.
લગભગ આઠ વર્ષ પહેલાં જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે બર્મિંગહામના મેદાન પર ઉતરી હતી, ત્યારે પણ તેમને ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા. ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને ગ્રુપ મેચમાં પાકિસ્તાનને પણ હરાવ્યું હતું. વર્લ્ડ કપ 2023માં પણ ભારતીય ટીમ જીત માટે ફેવરિટ હતી, પરંતુ અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ તેમને પરાજય આપ્યો હતો. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પણ કંઈક એવું જ થવાનો ભય છે અને આ વખતે પણ રવિવારનો પડછાયો તોળાઈ રહ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બીજી વખત આ ટૂર્નામેન્ટમાં આમને-સામને થશે. અગાઉ રમાયેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સરળતાથી હરાવ્યું હતું, પરંતુ ફાઇનલ મેચમાં આવું જ પરિણામ આવશે તેની કોઈ ખાતરી આપી શકાય નહીં. ખાસ કરીને નોકઆઉટ મેચોમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતના નબળા રેકોર્ડને ધ્યાનમાં લેતા ક્રિકેટ ચાહકોમાં એક અજંપો છે.
હવે આ ચિંતામાં રવિવારનો વધુ એક ડર ઉમેરાયો છે. સંયોગ અને દુર્ભાગ્યમાં માનતા ક્રિકેટપ્રેમીઓ માટે આ બાબત વધુ પરેશાન કરી શકે છે. હકીકત એ છે કે ભારતે અત્યાર સુધીમાં જીતેલા તમામ ICC ટાઇટલ સોમવાર અને શનિવારની વચ્ચે જ જીત્યા છે. રવિવારે રમાયેલી કોઈ પણ ફાઇનલમાં ભારતને જીત મળી નથી. આ અનોખો ક્રમ 1983ના વર્લ્ડ કપથી શરૂ થયો હતો અને તાજેતરમાં 2024ના T20 વર્લ્ડ કપ સુધી ચાલુ રહ્યો છે.
1983ના વર્લ્ડ કપની ફાઇનલ 25 જૂનના રોજ શનિવારે રમાઈ હતી અને ભારતે ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ 2007માં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો, જેની ફાઇનલ 24 સપ્ટેમ્બરે સોમવારે હતી. 2011ના વર્લ્ડ કપની ફાઇનલ 2 એપ્રિલે શનિવારે રમાઈ હતી, જે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ પળોમાંની એક છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની ફાઇનલ પણ સોમવારે રમાઈ હતી અને ભારતે ખિતાબ જીત્યો હતો. છેલ્લે, 29 જૂન 2024ના રોજ જ્યારે ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે પણ શનિવાર હતો.
આ વાત થઈ ટીમ ઈન્ડિયાની જીતની. હવે રવિવારના દિવસે ફાઇનલમાં મળેલી હાર પર નજર કરીએ. ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતની પ્રથમ હાર ન્યૂઝીલેન્ડ સામે જ હતી. લગભગ 25 વર્ષ પહેલાં, ICC નોકઆઉટ ટ્રોફી (હાલની ચેમ્પિયન્સ ટ્રોફી)ની ફાઇનલ 15 ઓક્ટોબર 2000ના રોજ રવિવારે રમાઈ હતી અને ભારત હારી ગયું હતું. ત્યારબાદ 2003ના વર્લ્ડ કપની ફાઇનલ 23 માર્ચે રવિવારે યોજાઈ હતી, જેમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. T20 વર્લ્ડ કપ 2014ની ફાઇનલ પણ 6 એપ્રિલ રવિવારે હતી અને તેમાં પણ ભારત પરાજિત થયું હતું. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામેની હાર પણ રવિવારે 18મી જૂને મળી હતી. અને છેલ્લે, 19 નવેમ્બર 2023નો દિવસ પણ રવિવાર જ હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને હરાવીને કરોડો ભારતીયોના સપના તોડી નાખ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે શું ટીમ ઈન્ડિયા આ રવિવારના અપશુકનિયાળ ઇતિહાસને બદલી શકશે કે કેમ?
આ પણ વાંચો...




















