ભારતે ઈંગ્લેન્ડને રાજકોટ ટેસ્ટ જીતવા આપ્યો 557 રનનો ટાર્ગેટ, યશસ્વીની ટી20 સ્ટાઈલમાં આતશબાજી સાથે અણનમ 214 રન
સરફરાઝ ખાન પણ 68 રન બનાવી અણનમ રહ્યો હતો. શુભમન ગિલ 91 રન બનાવી રન આઉટ થયો હતો. ગિલના ટેસ્ટ કરિયરનું આ પ્રથમ રનઆઉટ હતું.
IND vs ENG, 3rd Test, Rajkot: રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે બીજી ઈનિંગ 4 વિકેટના નુકસાન પર 430 રન બનાવી ડિકલેર કરી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 126 રનની લીડ લીધી હતી. જેના કારણે ઈંગ્લેન્ડને જીતવા 557 રનનો ટાર્ગેટ મળ્યો હતો. યશસ્વી જયસ્વાલ 14 ચોગ્ગા અને 12 છગ્ગા સાથે 214 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. સરફરાઝ ખાન પણ 68 રન બનાવી અણનમ રહ્યો હતો. શુભમન ગિલ 91 રન બનાવી રન આઉટ થયો હતો. ગિલના ટેસ્ટ કરિયરનું આ પ્રથમ રનઆઉટ છે. શાનદાર લયમાં બેટિંગ કરી રહેલ ગિલ આ રનઆઉટ બાદ રડી પડ્યો હતો.
યશસ્વીએ બનાવ્યા અનેક રેકોર્ડ
યશસ્વીએ પોતાની ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તે એક ટેસ્ટ ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બન્યો હતો. આ મામલે તેણે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો છે. યશસ્વીએ બીજા દાવમાં અણનમ 214 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 12 સિક્સર ફટકારી હતી. યશસ્વીએ આ શ્રેણીમાં 22 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય યશસ્વી ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય ખેલાડી પણ બન્યો છે. તેણે પોતાના કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. આ બે સિદ્ધિઓ સિવાય યશસ્વીએ મોટું કામ કર્યું. તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ 500 રન પૂરા કર્યા હતા. તે ટેસ્ટ શ્રેણીમાં 500 થી વધુ રન બનાવનાર ભારત તરફથી બીજો ડાબોડી બેટ્સમેન બન્યો. તેના પહેલા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 2007માં પાકિસ્તાન વિરૂદ્ધ હોમ સિરીઝમાં 534 રન બનાવ્યા હતા. યશસ્વીએ તેનો રેકોર્ડ તોડ્યો. તે હવે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે સિરીઝમાં 545 રન બનાવ્યા હતા.
England need 557 runs to win the Rajkot Test 👀#WTC25 | #INDvENG 📝: https://t.co/ki0ubRwdgf pic.twitter.com/jo26gHXqrB
— ICC (@ICC) February 18, 2024
ત્રીજા દિવસે શું હતી સ્થિતિ
ત્રીજા દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 196 રન હતો. આ રીતે ભારતીય ટીમની લીડ વધીને 322 રન થઈ ગઈ હતી. શુભમન ગિલ અને કુલદીપ યાદવ દિવસની રમતના અંતે અણનમ પરત ફર્યા હતા. શુભમન ગિલ 65 રન બનાવીને અને કુલદીપ યાદવ 3 રન બનાવીને રમી રમતમાં હતા.
આ પહેલા ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ભારતને 126 રનની લીડ મળી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 84 રનમાં 4 વિકેટ લીધી હતી. જાડેજાએ 51 રનમાં 2, કુલદીપ યાદવે 77 રનમાં 2 વિકેટ લીધી હતી. બુમરાહ અને અશ્વિનને પણ 1-1 સફળતા મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે સર્વાધિક 153 રન બનાવ્યા હતા. એક સમયે ઈંગ્લેન્ડનો સ્કરો 299 રન પર 5 વિકેટ હતો, ત્યાંથી સમગ્ર ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ અંતિમ 5 વિકેટ માત્ર 20 રનમાં જ ગુમાવી હતી. બેન સ્ટોક્સે 41 રન અને ઓલી પોપે 39 રનનું યોગદાન આપ્યું હતું.