Ind Vs Eng: અશ્વિન અધવચ્ચેથી મેચ છોડીને નીકળી ગ્યો, તો શું બીજો ખેલાડી થશે રિપ્લેસ ? જાણો શું છે આઇસીસીનો નિયમ
ભારતીય ટીમને બીજા દિવસની રમતમાં આર અશ્વિનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. હવે તે આગળ આ મેચમાં ટીમનો ભાગ નહીં હોય
India Vs England Test Match Updates: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાને મેચના બીજા દિવસે મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર સ્પિનર આર અશ્વિને અંગત કારણોસર મેચ અધવચ્ચે જ છોડીને ઘરે પરત ફરવું પડ્યું હતું. અધવચ્ચે જ મેચમાંથી અચાનક ખસી જવાથી કેપ્ટન રોહિત શર્માની મુશ્કેલીઓ વધી ગઈ છે. સવાલ એ છે કે શું ભારત 10 ખેલાડીઓ સાથે આગળ રમશે કે પછી તેને રિપ્લેસમેન્ટ મળશે.
રાજકોટ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દિવસની રમતમાં ખરાબ શરૂઆત બાદ તેણે પોતાની જોરદાર સદીથી ટીમને સંભાળી લીધી હતી. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેને બીજા છેડે ટેકો આપ્યો હતો અને 200 રનની ભાગીદારી કરીને ભારતનું પુનરાગમન કરાવ્યું હતું. પ્રથમ દાવમાં બંનેની સદી ઉપરાંત નવોદિત સરફરાઝ ખાને અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમે 445 રન બનાવ્યા હતા. બીજા દિવસે ઈંગ્લેન્ડે 2 વિકેટે 207 રન બનાવ્યા હતા.
શું પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઇ શકે ?
ભારતીય ટીમને બીજા દિવસની રમતમાં આર અશ્વિનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. હવે તે આગળ આ મેચમાં ટીમનો ભાગ નહીં હોય. આવી સ્થિતિમાં તેમના સ્થાને કોઈ ખેલાડીને મેદાનમાં ઉતારવાની તક મળશે કે કેમ તે પ્રશ્ન છે. જો બોલર ઉતરશે તો તેને બોલિંગ કરવાની છૂટ આપવામાં આવશે. તો જાણો ICCના નિયમો આ અંગે શું કહે છે. નિયમો અનુસાર અશ્વિનના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં કોઈપણ ખેલાડીને સામેલ કરવા માટે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ટીમ મેનેજમેન્ટની પરવાનગી લેવી પડશે. અક્ષર પટેલ ટીમ લિસ્ટમાં 12મા સ્થાને છે જ્યારે કેએસ ભરત 13મા ક્રમે છે. આ બેમાંથી કેપ્ટન અશ્વિનની જગ્યાએ કોઈને પણ તક આપી શકે છે.
R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency.
In these challenging times, the Board of Control for Cricket in India (BCCI) and the team fully supports Ashwin.https://t.co/U2E19OfkGR — BCCI (@BCCI) February 16, 2024
શું કહે છે આઇસીસીનો નિયમ -
MCC નિયમ 1.2.2 અનુસાર, વિરોધી ટીમના કેપ્ટનની પરવાનગી વિના બીજી ટીમ મેચની મધ્યમાં, અધવચ્ચેની રમત દરમિયાન તેની પ્લેઇંગ ઇલેવનમાં કોઇપણ ખેલાડીને બદલી શકતી નથી. રોહિત શર્મા ચોક્કસપણે અશ્વિનની જગ્યાએ અવેજી ખેલાડીને મેદાનમાં ઉતારી શકે છે, પરંતુ સ્ટોક્સની પરવાનગી વિના તે અશ્વિનની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈને સામેલ કરી શકશે નહીં. મતલબ કે ટીમ ઈન્ડિયા 10 ખેલાડીઓ અને એક અવેજી સાથે મેદાનમાં ઉતરશે. આઈસીસીના નિયમો કહે છે કે અવેજી ખેલાડી ટીમ માટે ન તો બેટિંગ કરી શકે અને ન તો બોલિંગમાં યોગદાન આપી શકે. તે માત્ર ફિલ્ડિંગ કરી શકે છે.