IND vs NZ: લખનઉમાં રમાશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ, જાણો પીચ રિપોર્ટ ?
લખનઉના ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે
India vs New Zealand Match preview: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ 'કરો યા મરો' મેચ હશે. વાસ્તવમાં આ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડે 21 રને પરાજય આપ્યો હતો. આવી સ્થિતિમાં સીરિઝ બચાવવા માટે ભારતીય ટીમે લખનઉમાં રમાનારી ટી20 મેચ જીતવી પડશે.
લખનઉની પિચ કેવી છે?
લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. અહીં દરેક વખતે પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. આ બધી જીત કંઈક અંશે એકતરફી રહી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે આ વિકેટ પર પ્રથમ બેટિંગ કરનાર ટીમને વધુ મદદ મળી રહી છે. જો કે બીજી ઇનિંગ્સમાં ઝાકળ બોલરોને મુશ્કેલીમાં મુકી શકે છે. આવી સ્થિતિમાં કેપ્ટન માટે ટોસ જીત્યા બાદ કોઈ નિર્ણય લેવો આસાન નહીં હોય.
લખનઉમાં મેચ દરમિયાન તાપમાન 13 થી 15 ડિગ્રી વચ્ચે રહેશે. મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે મેચ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે.
લખનઉમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કેવો છે?
ભારતીય ટીમે લખનઉમાં બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. બંને વખત ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 190+ રન બનાવ્યા છે. ભારતે અહીં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે.
ન્યૂઝીલેન્ડ ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ છે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ડેવોન કોનવે (52) અને ડેરીલ મિશેલ (59)ની અડધી સદીની મદદથી 176 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત ઓવર સુધી 155 રન જ બનાવી શકી હતી. આ રીતે કિવી ટીમે આ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ટીમ ઇન્ડિયાના યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) નો નૉ બૉલ ફેંકવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. માત્ર 24 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં આ ડાબોડી ફાસ્ટ બૉલરે 15 નૉ બૉલ ફેંક્યા છે. ગઇ ટી20 સીરીઝમાં તેને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ નૉ બૉલ ફેંકનારા બૉલરનો બેઝ મળ્યો હતો, હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેને અંતિમ ઓવરમાં નૉ બૉલ ફેંકવાના મામલામાં તેને પોતાના નંબર 1નો રેકોર્ડ મજબૂત કરી લીધો છે.
અર્શદીપ સિંહે રાંચીમા શુક્રવારે રમાયેલી પ્રથમ ટી20માં ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન છેલ્લી ઓવરમાં નૉ બૉલથી શરૂઆત કરી. આ બૉલ પર તેને છગ્ગો પડ્યો. આગળના ફ્રી હીટ પર પણ તેને છગ્ગો પડ્યો. આ રીતે શરૂઆતના બે બૉલમાં જ તેને 19 રન આપી દીધા. તેને આખી ઓવરમાં કુલ 27 રન આપ્યા. આટલા બધા રન આપવાના કારણે તેના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો.