Video: પાકિસ્તાની બેટ્સમેનના મોં પર બોલ વાગતા નીકળ્યું લોહી, બાદમાં કેએલ રાહુલે આ રીતે જીત્યું ફેન્સનું દિલ
India vs Pakistan, Asia Cup 2023: મેચ ફરી શરૂ થયા બાદ સલમાને હેલ્મેટ પહેરીને રમવાનું શરૂ કર્યું હતું
India vs Pakistan, Asia Cup 2023: ભારતે પાકિસ્તાન સામેની સુપર-4 મેચમાં 228 રનથી ઐતિહાસિક જીત મેળવીને શાનદાર શરૂઆત કરી છે. આ મેચમાં પાકિસ્તાની ઇનિંગ્સની 21મી ઓવર દરમિયાન તેનો બેટ્સમેન સલમાન અલી આગા જાડેજાના બોલ પર સ્વીપ શોટ મારવાના પ્રયાસમાં ઇજાગ્રસ્ત થયો હતો. બોલ સલમાનના બેટ સાથે અથડાયો અને સીધો તેના ચહેરા પર વાગ્યો હતો જેના કારણે તેની આંખ નીચેથી લોહી વહેવા લાગ્યું હતું.
— andre bapat (@AndreBapat82195) September 11, 2023
આ દરમિયાન સલમાન અલી આગા ખૂબ જ દર્દમાં જોવા મળ્યો પરંતુ આ દરમિયાન ભારતીય વિકેટકીપર લોકેશ રાહુલ તરત જ તેની પાસે ગયો અને બ્લીડિંગ રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે કેએલ રાહુલે ફેન્સનું દિલ જીતી લીધું છે. ફિઝિયોએ સલમાનની જરૂરી સારવાર આપી હતી.
મેચ ફરી શરૂ થયા બાદ સલમાને હેલ્મેટ પહેરીને રમવાનું શરૂ કર્યું હતું. જો કે તે કાંઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો. કુલદીપ યાદવે 23 રનના અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કરીને સલમાનને પેવેલિયન પરત મોકલ્યો હતો.
કેએલ રાહુલની શાનદાર વાપસી
કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ લગભગ 6 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. પાકિસ્તાન સામેની આ મહત્વપૂર્ણ મેચમાં પોતાની વન-ડે કરિયરની છઠ્ઠી સદી ફટકારીને તેણે પોતાની ફિટનેસ પણ સાબિત કરી હતી. આ પછી રાહુલે ફિલ્ડિંગ દરમિયાન વિકેટકીપિંગની જવાબદારી નિભાવતા શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં તેણે મોહમ્મદ રિઝવાનનો શાનદાર કેચ પણ પકડ્યો હતો. હવે ભારતીય ટીમ સુપર-4માં તેની આગામી મેચ 13 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમશે.
વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 233 રનની ભાગીદારી થઈ હતી. એશિયા કપના ઇતિહાસમાં આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ હાફીઝ અને નાસિર જમશેદના નામે હતો. એશિયા કપ 2012માં બંને ખેલાડીઓ વચ્ચે 224 રનની ભાગીદારી થઈ હતી. આ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હતી. આ સિવાય વિરાટ કોહલી અને કેએલ રાહુલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈપણ મેચમાં સૌથી મોટી ભાગીદારી કરી હતી. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકર અને નવજોત સિંહ સિદ્ધુના નામે હતો.