Women's Blind T20 World Cup: ભારતીય દીકરીઓનો વિશ્વમાં ડંકો! નેપાળને હરાવી 19 દિવસમાં બીજીવાર જીત્યો વર્લ્ડ કપ
ફાઇનલમાં નેપાળને 7 વિકેટે કચડી નાખ્યું, ફુલા સરનની શાનદાર બેટિંગ; 12 ઓવરમાં જ ભારતે હાંસલ કર્યો વિજયી લક્ષ્યાંક.

India wins Women's Blind T20 World Cup: ભારતીય મહિલા ક્રિકેટ માટે આ સમયગાળો સુવર્ણ અક્ષરે લખાશે. હજુ માંડ 19 દિવસ પહેલા જ ભારતીય સિનિયર મહિલા ટીમે ODI વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યાં હવે ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે પણ ઈતિહાસ રચી દીધો છે. રવિવારે કોલંબોના મેદાનમાં રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે નેપાળને 7 વિકેટે હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. નેપાળની ટીમે આપેલા 114 રનના લક્ષ્યાંકને ભારતે માત્ર 12 ઓવરમાં જ પાર પાડીને એકતરફી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે એક મહિનાની અંદર બે વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે.
ફાઇનલમાં ભારતનું એકતરફી પ્રભુત્વ
કોલંબો ખાતે રમાયેલી આ ટાઈટલ મેચમાં ભારતીય ટીમ શરૂઆતથી જ હાવી રહી હતી. ભારતીય બોલરોએ નેપાળની બેટિંગ લાઇન-અપને તોડી પાડી હતી અને તેમને નિર્ધારિત ઓવરોમાં માત્ર 114 રન સુધી સીમિત રાખ્યા હતા. ભારતીય બોલિંગનો દબદબો એ વાત પરથી જાણી શકાય છે કે નેપાળની ટીમ પોતાની આખી ઇનિંગ દરમિયાન માત્ર એક જ બાઉન્ડ્રી ફટકારી શકી હતી. જવાબમાં, ભારત તરફથી ફુલા સરને આક્રમક બેટિંગ કરતા 44 રન ફટકાર્યા હતા અને ટીમને 12 ઓવરમાં જ ચેમ્પિયન બનાવી દીધી હતી.
સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું
ફાઇનલ સુધીની સફર પણ ભારત માટે શાનદાર રહી હતી. ગયા શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતીય ટીમે શક્તિશાળી ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે બીજી તરફ, નેપાળે પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. યજમાન હોવા છતાં શ્રીલંકાનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને તેઓ ગ્રુપ સ્ટેજમાં માત્ર એક જ મેચ જીતી શક્યા હતા.
બ્લાઇન્ડ ક્રિકેટના અનોખા નિયમો
સામાન્ય ક્રિકેટ કરતા બ્લાઇન્ડ ક્રિકેટ તદ્દન અલગ અને પડકારજનક હોય છે.
બોલ: આ મેચ સફેદ પ્લાસ્ટિકના બોલથી રમાય છે, જેની અંદર ધાતુના નાના બેરિંગ્સ (છરા) હોય છે. જ્યારે બોલ ગતિ કરે છે ત્યારે તેમાંથી 'ખડખડ' અવાજ આવે છે, જેના આધારે બેટ્સમેન બોલની દિશા નક્કી કરીને શોટ મારે છે.
કોલિંગ: બોલિંગ કરતા પહેલા બોલર માટે બેટ્સમેનને પૂછવું ફરજિયાત છે કે શું તે તૈયાર છે? અને બોલ ફેંકતી વખતે બોલરે જોરથી "Play" (રમો) બૂમ પાડવી પડે છે, જેથી બેટ્સમેન સતર્ક થઈ શકે.
ટુર્નામેન્ટના સ્ટાર પર્ફોર્મર્સ
ભલે ટ્રોફી ભારતે જીતી હોય, પરંતુ વ્યક્તિગત પ્રદર્શનમાં પાકિસ્તાનની મેહરીન અલી છવાયેલી રહી હતી. તેણે ટુર્નામેન્ટમાં 600 થી વધુ રન બનાવ્યા હતા. જેમાં શ્રીલંકા સામે 78 બોલમાં 230 રન અને ઓસ્ટ્રેલિયા સામે 130 રનની મેરેથોન ઇનિંગનો સમાવેશ થાય છે.
3 અઠવાડિયામાં ડબલ ધમાકા
ભારતીય ક્રિકેટ ચાહકો માટે આ ડબલ સેલિબ્રેશનનો મોકો છે. માત્ર ત્રણ અઠવાડિયા પહેલા જ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં 52 રનથી હરાવીને પ્રથમવાર ODI વર્લ્ડ કપ જીત્યો હતો. હવે બ્લાઇન્ડ ટીમે પણ T20 ફોર્મેટમાં વર્લ્ડ કપ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.




















