ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, બેડ રેસ્ટ પર રહેશે જસપ્રીત બુમરાહ!
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બેડ રેસ્ટ પર રહેવું પડશે.
Jasprit Bumrah, Bed Rest: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બેડ રેસ્ટ પર રહેવું પડશે. બુમરાહ માટે આગળ રમવાનો નિર્ણય તેની પીઠનો સોજો ઠીક થયા બાદ જ લેવામાં આવશે. બુમરાહ છેલ્લા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી સ્વદેશ પરત ફર્યો હતો, જેમાં પાંચ ટેસ્ટ રમાઈ હતી.
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'માં છપાયેલા અહેવાલ અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે બુમરાહ બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલન્સમાં જશે, પરંતુ તેના માટેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ સિવાય કહેવામાં આવ્યું હતું કે બુમરાહના વાપસીને લઈને કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં. તેને હાલ ઘરે આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "બુમરાહ આવતા સપ્તાહ સુધીમાં સેન્ટર ઑફ એક્સીલન્સ જઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. તેને ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી સ્નાયુઓ સ્વસ્થ થઈ શકે અને સોજો દૂર થઈ શકે." એકવાર તે સ્વસ્થ થઈ જશે, પછી આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે."
વાપસી માટે કેટલો સમય લાગશે ?
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ રામજી શ્રીનિવાસે બુમરાહની રિકવરી વિશે વાત કરી હતી. રામજી શ્રીનિવાસે કહ્યું, "જો એડીમાના ફોર્મેશનના કારણે કોઈ સમસ્યા હોય, તો ત્યાં સોજો આવે છે - જે સ્નાયુમાં તૂટી જવાના લેવલ પર આધાર રાખે છે. જો તે ડિસ્ક બલ્જ સોજો હોય તો રિકવરી ગ્રેડ, વ્યક્તિગત શક્તિ, તબીબી હસ્તક્ષેપ અને મેડિકલ પછી રિહેબના કાર્ય પર પણ આધાર રાખે છે."
બુમરાહ સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર છે. બુમરાહે મોહમ્મદ શમીને પાછળ છોડી દીધો, જેણે 9896 બોલ ફેંકીને 200 ટેસ્ટ વિકેટ લીધી હતી. એકંદરે જસપ્રીત બુમરાહ આ મામલે ચોથા નંબરે છે. બુમરાહે 200 ટેસ્ટ વિકેટ લેવા માટે 8484 બોલ લીધા છે. વકાર યુનિસ (પાકિસ્તાન), ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) અને કાગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા) આ મામલે બુમરાહથી આગળ છે.
સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ
વકાર યુનુસ
ડેલ સ્ટેઈન
કાગીસો રબાડા
જસપ્રીત બુમરાહ