IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે સદી ફટકારીને શુભમન ગિલે સચિનને પાછળ છોડ્યો, બનાવ્યો આ મોટો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે આજે ભારત માટે શાનદાર બેટિંગ કરી અને ઝિમ્બાબ્વે સામે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે.
Shubman Gill ODI Record: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે આજે ભારત માટે શાનદાર બેટિંગ કરી અને ઝિમ્બાબ્વે સામે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. શુભમને ઝિમ્બાબ્વે સામે 97 બોલમાં 15 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી 130 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સાથે જ આ શાનદાર ઇનિંગ રમીને શુભમન ગિલે વનડે ક્રિકેટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શુભમને તેની સદીની ઇનિંગ્સના કારણે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ઝિમ્બાબ્વે સામે ભારત તરફથી સર્વોચ્ચ સ્કોરઃ
આજે તેની 130 રનની ધમાકેદાર ઈનિંગના કારણે શુભમને ઈતિહાસ રચી દીધો છે. તે હવે ઝિમ્બાબ્વે સામે વનડેમાં સૌથી વધુ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. શુભમને 97 બોલમાં 15 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 130 રનની ઇનિંગ રમીને સચિનના 127 રનના સ્કોરને પાછળ છોડી દીધો હતો. આ ઇનિંગ સાથે તેણે ઝિમ્બાબ્વે સામે વનડેમાં ભારત તરફથી સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. શુભમને આજે તેની કારકિર્દીની પ્રથમ સદી પણ ફટકારી છે.
ઝિમ્બાબ્વે સામે ભારતીય ખેલાડીઓનો સૌથી વધુ સ્કોરઃ
શુભમન ગિલ - 2022માં હરારે ખાતે 97 બોલમાં 130 રન
સચિન તેંડુલકર - 1998માં બુલાવાયો ખાતે 130 બોલમાં અણનમ 127 રન
અંબાતી રાયડુ - 2015માં હરારે ખાતે 133 બોલમાં અણનમ 124 રન
યુવરાજ સિંહ - 2005માં હરારે ખાતે 124 બોલમાં 120 રન
શિખર ધવન - 2013માં હરારે ખાતે 127 બોલમાં 116 રન
વિરાટ કોહલી - 2013માં હરારે ખાતે 108 બોલમાં 115 રન
IND vs ZIM 3rd ODI: આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વનડે મેચની સિરીઝની ત્રીજી મેચ હરારે ખાતે રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટના નુકસાન પર 289 રન બનાવ્યા હતા. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતાં 97 બોલમાં 130 રન બનાવ્યા હતા. આ સાથે ઈશાન કિશને 50 રન બનાવ્યા હતા. શિખર ધવને 40 અને કેએલ રાહુલે 30 રનનું યોગદાન આપ્યું હતું.
આ દરમિયાન ઝિમ્બાબ્વે તરફથી બ્રેડ ઈવાન્સે શાનદાર બોલિંગ કરી હતી ઈવાન્સે 5 વિકેટ ઝડપી હતી. ઈવાન્સે શિખર ધવન, કેએલ રાહુલ, શુભમન ગિલ, દિપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર જેવા ભારતના મહત્વના બેટ્સમેનને પવેલિયન મોકલ્યા હતા.