સાઉથ આફ્રિકાના બોલરે લીધો ચોંકાવનારો ફેંસલો, હવે USA તરફથી રમશે, ભારત સામે રમ્યો હતો અંતિમ ટેસ્ટ
સાઉથ આફ્રિકા તરફથી 9 ટેસ્ટ રમી ચુકેલો ઓફ સ્પિનર ડેન પિટે કહ્યું કે, ટીમમાં નજીકના ભવિષ્યમાં તેને કોઈ સ્થાન મળે તેમ લાગતું નહોતું તેથી તેના ફેંસલા પાછળ આ પણ કારણ હોઈ શકે છે.
કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના ઓફ સ્પિનર ડેન પિટે એક ચોંકાવનારો ફેંસલો લીધો છે. એલીટ સભ્ય દેશમાં કરિયરને અલવિદા કહી અમેરિકા સ્થાયી થશે. તેનું સપનું એસોસિએટ દેશને વિશ્વ કપમાં રમતા જોવાનું છે. સાઉથ આફ્રિકા તરફથી 9 ટેસ્ટ રમી ચુકેલા પિટ થોડા મહિનામાં અમેરિકા સ્થાયી થશે.
તે માઇનર લીગ ટી20 ટુર્નામેન્ટમાં રમશે. તેણે એક સ્પોર્ટ્સ વેબસાઇટને જણાવ્યું, અમેરિકાને ગત વર્ષે જ વન ડે ટીમનો દરરજો મળ્યો છે. મેં સવારે કરાર કર્યો છે પરંતુ કોઈ નથી જાણતું કે ક્યારે ત્યાં જઈ શકીશ.
30 વર્ષીય પિટે કહ્યું, આર્થિક અને જીવનશૈલી સાથે સંકળાયેલા કારણોથી હું ઓફરને ફગાવી ન શક્યો પણ આ કઠણ ફેંસલો હતો. દક્ષિણ આફ્રિકા ટીમમાં નજીકના ભવિષ્યમાં તેને કોઈ સ્થાન મળે તેમ લાગતું નહોતું તેથી તેના ફેંસલા પાછળ આ પણ કારણ હોઈ શકે છે.
પિટે સાઉથ આફ્રિકા તરફથી 9 ટેસ્ટમાં 26 વિકેટ ઝડપી છે. તેણે 2014માં ઝીમ્બાબ્વે સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. ઓક્ટોબર 2019માં તે અંતિમ વખત ભારત સામે રાંચીમાં ટેસ્ટ મેચ રમ્યો હતો.