T20 World Cup 2022: ભારત, પાકિસ્તાન સહિત આ 4 ટીમો પહોંચી સેમિ ફાઈનલમાં, જાણો કોણ-કોણ ટકરાશે
ટી20 વર્લ્ડ કપમાં સુપર 12 સ્ટેજની મેચમાં આજે 6 નવેમ્બરના રોજ રમાયેલી અંતિમ મેચમાં સેમિ ફાઈનલ મુકાબલાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપમાં સુપર 12 સ્ટેજની મેચમાં આજે 6 નવેમ્બરના રોજ રમાયેલી અંતિમ મેચમાં સેમિ ફાઈનલ મુકાબલાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગ્રુપ 1માં ઈંગ્લેન્ડ અને ન્યુઝિલેન્ડ સેમિ ફાઈનલમાં પહોંચી હતી. જ્યારે હવે ગ્રુપ 2માં ભારત નંબર 1ના સ્થાન સાથે અને પાકિસ્તાન નંબર 2ના સ્થાન પર છે.
ગ્રુપ 1માં કોણ રહ્યું ટોપ પર?
ગ્રુપ 1ની વાત કરીએ તો, ન્યુઝિલેન્ડની ટીમ 7 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પણ 7 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. ગ્રુપ 1માં નેટ રન રેટના આધારે આ ક્રમ આપવામાં આવ્યા છે. ન્યુઝિલેન્ડની ટીમનો નેટ રન રેટ +2.113 રહ્યો હતો જ્યારે ઈંગ્લેન્ડની ટીમનો નેટ રન રેટ +0.473 રહ્યો હતો. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમે પણ પોતાની 5માંથી 3 મેચ જીતી 7 પોઈન્ટ મેળવ્યા હતા. જો કે, નેટ રન રેટમાં પાછળ રહી જતાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી ફેંકાઈ ગઈ હતી.
ગ્રુપ 2માં ભારત રહ્યું ટોપ પર
ગ્રુપ 1માં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં પોતાની 5માંથી 4 મેચ જીતી લીધી છે અને પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે નંબર 1નું સ્થાન મેળવ્યું છે. જ્યારે પાકિસ્તાનની ટીમે 5માંથી 3 મેચ જીતી હતી અને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામે મેચ હારી જતાં સેમિ ફાઈનલની રેસમાંથી બહાર નિકળી ગઈ હતી. સા. આફ્રિકા 5માંથી 2 મેચ જીતીને 5 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે રહી છે.
હવે સેમિ ફાઈનલમાં આ ટીમો રમશેઃ
આજે રમાયેલી મેચ બાદ સેમિ ફાઈનલના જંગ માટે ટીમો નક્કી થઈ ગઈ છે. હવે ભારત સેમિ ફાઈનલમાં 10 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે રમશે. જ્યારે સેમી ફાઈનલમાં પાકિસ્તાનની ટક્કર ન્યૂઝિલેન્ડ સામે 9 નવેમ્બરના રોજ થશે. પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની 9 નવેમ્બરના રોજ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે 1.30 વાગ્યે રમાશે. આ સાથે 10 નવેમ્બરના રોજ બીજો સેમિ ફાઈનલ મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ભારત અને ઈંગ્લેન્ડની મેચ બપોરે 1.30 વાગ્યે ઓવેલ સ્ટેડિયમ એડિલેડ ખાતે રમાશે.