T20 World Cup પહેલાં ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડી થયો બહાર, તો આ બે ખેલાડીની થઈ વાપસી
T20 World Cup: આ વર્ષે ઓક્ટોમ્બર - નવેમ્બરમાં ટી20 વર્લ્ડ કપ રમાશે. T20 વર્લ્ડ કપ માટે આવનારા ગણતરીના દિવસોમાં જ ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે.
T20 World Cup: આ વર્ષે ઓક્ટોમ્બર - નવેમ્બરમાં ટી20 વર્લ્ડ કપ રમાશે. T20 વર્લ્ડ કપ માટે આવનારા ગણતરીના દિવસોમાં જ ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. આ પહેલાં ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ અને એક સારા સમાચાર આવ્યા છે. સારા સમાચાર એ છે કે, ઈજાગ્રસ્ત હોવાના કારણે એશિયા કપ 2022માંથી બહાર રહેલા સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ હવે સ્વસ્થ થઈ ગયા છે અને તેમણે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધો છે. જેથી હવે આ બંને બોલર ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં શામેલ થઈ શકે છે.
જાડેજા T20 વર્લ્ડ કપમાં બહારઃ
બીજી તરફ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર એ છે કે, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેની ઘુંટણની ઈજાના કારણે T20 વર્લ્ડ કપ નહી રમી શકે. રવિન્દ્ર જાડેજા એશિયા કપની એક મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ જાડેજાને સર્જરી કરાવવી પડી હતી. ઈન્સાઈડસ્પોર્ટ્સની એક રિપોર્ટ મુજબ જાડેજાના જમણા ઘુંટણમાં ઈજા પહોંચી હતી અને તેને સ્વસ્થ થતાં અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, જાડેજાએ ખુદ થોડા દિવસ પહેલાં ઈંસ્ટાગ્રામ પર પોતાની સર્જરી થયા બાદના ફોટો શેર કરીને માહિતી આપી હતી કે, ઘુંટણનું ઓપરેશન સફળ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, હર્ષલ પટેલને સાઇડ સ્ટ્રેઇનના કારણે રમતમાંથી બહાર હતો અને જસપ્રીત બુમરાહ પીઠની ઇજાને કારણે જુલાઈથી રમતમાંથી બહાર હતો. બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે બંને બોલર્સ બેંગલોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સારવાર લઈ રહ્યા હતા. હવે, બુમરાહ અને હર્ષલ તેમના ફિટનેસ ટેસ્ટ પાસ કરીને કમબેક કરવા માટે તૈયાર છે.
જાડેજાની જગ્યાએ કોની પસંદગી થશે?
રવિન્દ્ર જાડેજા ટી 20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જતાં હવે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર ક્યા ઓલરાઉન્ડરને પસંદ કરે છે તે જોવું રહ્યું. હાલ જાડેજાની જગ્યાએ અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, દીપક હુડ્ડા જેવા ઓલ રાઉન્ડર ખેલાડીઓના નામ ચર્ચાઈ રહ્યા છે. જો કે, જાડેજાની જગ્યાએ સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલની પસંદગી થવાની શક્યતાઓ સૌથી વધુ છે કારણ કે, અક્ષર આ પહેલાં 2015નો વર્લ્ડ કપ પણ રમ્યો હતો.