ભારત-પાકિસ્તાન વચ્ચે આ વરસે જ રમાશે ટી-20 સીરિઝ, જાણો ક્યા મહિનામાં થશે શ્રેણી ? આવતા અઠવાડિયે નિર્ણય
પાકિસ્તાની અખબાર ડેઇલી જંગના અહેવાલ મુજબ, આ વર્ષે બંને દેશો વચ્ચે ક્રિકેટના મેદાન પર મહાસંગ્રામ યોજાઈ શકે છે.
નવી દિલ્લીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદો ઉકેલવા માટે ફરી મંત્રણા શરૂ થાય તેવા અણસાર છે ત્યારે હવે બંને દેસો વચ્ચે ક્રિકેટ સંબંધો પણ ફરી શરૂ થવાની શક્યતા છે. ઈન્ટરમેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વર્ષે ભારતની સામે ટી-20 શ્રેણી રમવા માટે તૈયારીઓ કરવાનું કહ્યું હોવાના અહેવાલ છે. આવતા અઠવાડિયે આઈસીસીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે એવું સૂત્રોનું કહેવું છે. બંને દેશો જુલાઈ કે સપ્ટેમ્બરમાં 3 ટી-20 મેચોની શ્રેણી રમે તેવી શક્યતા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 30 માર્ચના રોજ દુશાંબેમાં ભારતીય વિદેશમંત્રી અને પાકિસ્તાનના વિદેશમંત્રીની મુલાકાત થાય તેવી સંભાવના છે. આ બેઠકમાં બન્ને ટીમો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી પર સંમતિ થઈ શકે છે.
પાકિસ્તાની અખબાર ડેઇલી જંગના અહેવાલ મુજબ, આ વર્ષે બંને દેશો વચ્ચે ક્રિકેટના મેદાન પર મહાસંગ્રામ યોજાઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીએ આ અખબારને જણાવ્યું હતું કે, બંને ટીમો વચ્ચે 3 T20 મેચની શ્રેણી યોજાઈ શકે છે. આ શ્રેણી માટે બોર્ડ વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમની વચ્ચે ક્યા 6 દીવસ ફાળવી શકાય તેની શોધ કરી રહ્યા છે.
પાકિસ્તાની અખબારના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રેણી શરૂ થાય તો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. 2012-13માં છેલ્લે બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી થઈ હતી ત્યારે પાકિસ્તાનની ટીમે ભારતમાં આવીને મેચ રમી હતી તેથી હવે ભારતનો વારો છે. બંને ટીમો વચ્ચે છેલ્લી T20 અને વનડે શ્રેણી ડિસેમ્બર 2012માં રમાઈ હતી. જેમાં T20 શ્રેણી 1-1ની બરાબરીમાં સમાપ્ત થઈ હતી, જ્યારે વન-ડેની શ્રેણીમાં પાકિસ્તાને 2-1થી જીત મેળવી હતી. આવતા અઠવાડિયે ICCની બેઠક યોજાવાની છે, જેમાં ભારત-પાકિસ્તાનની શ્રેણી અંગે નિર્ણય લેવાઈ શકે છે.
કોરોનાની રસીએ રંગ રાખ્યો, જાણો બે ડોઝ લીધા બાદ રોગપ્રતિકારક શક્તિ કેટલી વધી ગઈ