ICC Rankings: વર્લ્ડકપની વચ્ચે આઇસીસીની તાજા રેન્કિંગ જાહેર, કોહલી-રાહુલને થયો મોટો ફાયદો
બંને ખેલાડીઓને ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. ICC રેન્કિંગમાં વિરાટ કોહલીને 2 સ્થાનનો ફાયદો થયો છે. હવે વિરાટ કોહલી નવમા નંબરે આવી ગયો છે
Virat Kohli Rankings: અત્યારે ભારતમાં વનડે વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે, અને આ બધાની વચ્ચે આઇસીસીએ રેન્કિંગ જાહેર કરી દીધું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર ઇનિંગ્સ રમી હતી, તેમને આનો મોટો ફાયદો આ રેન્કિંગમાં થયો છે. બંને ખેલાડીઓને ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. ICC રેન્કિંગમાં વિરાટ કોહલીને 2 સ્થાનનો ફાયદો થયો છે. હવે વિરાટ કોહલી નવમા નંબરે આવી ગયો છે. કેએલ રાહુલે 15 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. હવે કેએલ રાહુલ 15માં નંબર પર છે. જોકે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ નંબર વન પર યથાવત છે. જ્યારે યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલ બીજા સ્થાને છે.
હવે આઇસીસી વનડે રેન્કિંગ કેટલું બદલાયુ ?
શ્રીલંકા સામે સદી ફટકારનાર ક્વિન્ટન ડી કૉક સાતમાથી છઠ્ઠા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાના આ વિકેટકીપર બેટ્સમેનને એક સ્થાનનો ફાયદો થયો છે. સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ 21માં નંબર પર પહોંચી ગયો છે. આ ખેલાડીએ 11 સ્થાનની છલાંગ લગાવી છે. નેધરલેન્ડ અને શ્રીલંકા સામે ફ્લૉપ રહેનાર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ટોપ પર યથાવત છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે ન રમનાર શુભમન ગિલ બીજા સ્થાને છે. બાંગ્લાદેશ સામે સદી ફટકારનાર ડેવિડ મલાનને રેન્કિંગમાં ફાયદો થયો છે.
કુલદીપ યાદવને રેન્કિંગ્સમાં મળ્યો ફાયદો
ડેવિડ મલાન ICC રેન્કિંગમાં 7 સ્થાનની છલાંગ લગાવ્યો છે. હવે ડેવિડ મલાન આઠમા નંબર પર છે. આ સાથે જ પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હકનું 3 સ્થાનનું નુકસાન થયું છે. હવે ઇમામ ઉલ હક સાતમા નંબરે છે. બૉલરોની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો જૉશ હેઝલવુડ ટોપ પર છે. આ પછી ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવને 3 સ્થાનનો ફાયદો થયો છે. હવે કુલદીપ યાદવ આઠમા નંબરે છે.
શું પાકિસ્તાન સામે રમશે શુભમન ગિલ?
ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે યુવા બેટ્સમેન શુભમન ગિલ વિશે કેટલાક ખુલાસા કર્યા છે. તેણે પુષ્ટિ કરી છે કે શુભમન ગિલ બીમારીથી પીડિત છે, અને હજુ પણ ચેન્નાઈમાં રિકવરી સ્ટેજ પર છે. બેટિંગ કોચે એમ પણ કહ્યું કે તેને ચેન્નાઈની એક હોસ્પિટલમાં માત્ર તકેદારીના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યો હતો અને હવે તે હોટેલમાં પાછો ફર્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં રહેલા શુભમન ગિલને વર્લ્ડ કપની શરૂઆત પહેલા ડેન્ગ્યુ થયો હતો, જેના કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ રમી શક્યો નહોતો. તે પછી, બીસીસીઆઈએ તેને સોમવારે અફઘાનિસ્તાન સામેની ભારતની બીજી વર્લ્ડ કપ મેચમાંથી પણ બહાર કરી દીધો કારણ કે તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ચેન્નાઈમાં રહ્યો હતો.
બેટિંગ કોચે ગિલની સ્થિતિ વિશે જણાવ્યું
હવે ભારતના બેટિંગ કોચે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. હા, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ માત્ર સાવચેતીના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યો હતો. તે હોટેલમાં પાછો ફર્યો છે, અને તે સાજો થઈ રહ્યો છે. તે તબીબી ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે અને, અમને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તે હવે ખરેખર સારો દેખાઈ રહ્યો છે."
નોંધનીય છે કે, બીસીસીઆઈ ગીલના સ્થાનની જાહેરાત કરશે નહીં અને તે વર્લ્ડકપમાં ટીમનો ભાગ રહેશે. ગીલ આ વર્ષે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એકવાર સંપૂર્ણ ફિટ થઈ ગયા બાદ ગીલ વર્લ્ડકપમાં ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.