WI vs AUS: વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ઈતિહાસના બીજા સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ, ટીમ ઈન્ડિયાનું કલંક ધોવાયું
ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ ફક્ત 27 રનમાં સમેટાઈ ગયો હતો

ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ ફક્ત 27 રનમાં સમેટાઈ ગયો હતો. આ ટેસ્ટ ઇતિહાસનો બીજો સૌથી ઓછો સ્કોર અને ડે-નાઈટ ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર છે. છેલ્લી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ મિશેલ સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે ટીમ 14.3 ઓવરમાં જ ક્લીન સ્વીપ થઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી દીધી હતી.
મિશેલ સ્ટાર્કે શ્રેષ્ઠ સ્પેલ ફેંક્યો
પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા મિશેલ સ્ટાર્કે પોતાના કરિયરનો શ્રેષ્ઠ સ્પેલ ફેંક્યો હતો. તેણે 7.3 ઓવરમાં માત્ર 9 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે માત્ર 15 બોલમાં પોતાની 5 વિકેટ પૂરી કરી હતી. આ સાથે સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પણ પૂરી કરી લીધી છે. સ્કોટ બોલેન્ડે માત્ર 2 રન આપીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જોશ હેઝલવૂડને એક વિકેટ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝના 7 બેટ્સમેન ખાતું ખોલાવી શક્યા નહીં. જસ્ટિન ગ્રીવ્સે સૌથી વધુ 11 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ એકસ્ટ્રા 6 રન આપ્યા હતા. આનાથી ટીમનો સ્કોર 27 રન પર પહોંચ્યો હતો.
ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ
શેન વોર્ન- 708
ગ્લેન મેકગ્રા- 563
નાથન લિયોન- 562
મિશેલ સ્ટાર્ક- 402
ડેનિસ લિલી- 355
સૌથી ઓછો સ્કોર 26 રન
ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો વિશ્વ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. 1955માં ઓકલેન્ડમાં ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડનો દાવ ફક્ત 26 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે હતું. ટીમ બે વાર 30 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. પરંતુ હવે વેસ્ટ ઈન્ડીઝ યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે. અગાઉ, ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝનો સૌથી ઓછો સ્કોર 47 રન હતો. ઇંગ્લેન્ડે 2004માં આ જ મેદાન પર તેમને ઓલઆઉટ કરી દીધા હતા. અગાઉ પિંક બોલ ટેસ્ટમાં સૌથી ઓછો 36 રનનો સ્કોર ભારતે બનાવ્યો હતો.
મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 225 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝનો ઇનિંગ 143 રનમાં સમેટાઈ ગયો હતો. બીજી ઇનિંગમાં પણ ઓસ્ટ્રેલિયાની બેટિંગ નિષ્ફળ ગઈ હતી. વેસ્ટ ઇન્ડીઝના બોલરોએ તેમને 121 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા. મિશેલ સ્ટાર્કને પ્લેયર ઓફ ધ મેચ તેમજ પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ મળ્યો હતો.



















