(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022, DC vs PBKS: દિલ્લી કેપિટલ્સમાં કોરોનાના 5 કેસ નોંધાતા પંજાબ સામેની મેચને લઈ લેવાયો મોટો નિર્ણય
આ વર્ષની આઈપીએલ સીઝન પણ કોરોના સંક્રમિત થઈ છે. આ સીઝનમાં બાયો બબલમાં રહીને રમી રહેલી 10 ટીમોના ખેલાડીઓ અને ટીમના સભ્યો માટે કોરોનાને લઈને કડક નિયમો બનાવામાં આવ્યા હતા.
IPL 2022: આ વર્ષની આઈપીએલ સીઝન પણ કોરોના સંક્રમિત થઈ છે. આ સીઝનમાં બાયો બબલમાં રહીને રમી રહેલી 10 ટીમોના ખેલાડીઓ અને ટીમના સભ્યો માટે કોરોનાને લઈને કડક નિયમો બનાવામાં આવ્યા હતા. પરંતુ આમ છતાં આ બાયો બબલમાં કોરોના પ્રવેશી ચુક્યો છે. થોડા દિવસ પહેલાં દિલ્લી કેપિટલ્સના ફિજીયોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ હવે દિલ્લી કેપિટલ્સની ટીમમાં કુલ 5 કોરોના પોઝિટીવ કેસ નોંધાઈ ચુક્યા છે.
20 એપ્રિલના રોજ દિલ્લી કેપિટલ્સની મેચ પંજાબ કિંગ્સ સામે રમાવાની છે. ત્યારે દિલ્લી કેપિટલ્સમાં થયેલા આ કોરોના બ્લાસ્ટ બાદ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે મોટી જાહેરાત કરી છે. જય શાહે જણાવ્યું છે કે, 20 એપ્રિલે યોજાનારી દિલ્હી કેપિટલ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે. પહેલાં આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાવાની હતી. પણ હવે આ મેચનું સ્થળ બદલીને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ કરાયું છે. આવતીકાલે પંજાબ અને દિલ્લીની મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
શું IPL સ્થગિત થઈ શકે?
IPLના નિયમો અનુસાર, બાયો-બબલમાં કોરોના સંક્રમિત થયેલા ખેલાડીને ઓછામાં ઓછા સાત દિવસ માટે અલગ રહેવું પડશે. ટીમમાં પાછા ફરવા માટે, પોઝિટિવ આવનાર ખેલાડીના સતત બે RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવવા જરુરી છે. તમને જણાવી દઈએ કે, ટીમમાં ખેલાડીઓ કોરોના પોઝિટીવ આવ્યા બાદ પણ IPL અટકશે નહીં. જો કે, જો કોઈ ટીમમાં 12 ખેલાડીઓ રમી શકે તેવી હાલતમાં ના હોય (કોરોના પોઝિટીવ હોય) તો આ અંગેનો અંતિમ નિર્ણય IPL મેનેજમેન્ટ લેશે.
અગાઉ, બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, દિલ્હી કેપિટલ્સ આજે પુણે જવાની હતી, પરંતુ ટીમના તમામ સભ્યોને તેમના સંબંધિત રૂમમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. હાલ ટીમનો RT PCR થઈ રહ્યો છે. જેથી જાણી શકાય કે, શું ટીમમાં કોવિડ-19નું સંક્રમણ ફેલાઈ ગયું છે કે પછી એક જ કેસ છે. BCCIના કોરોના ટેસ્ટિંગ પ્રોટોકોલ મુજબ, IPL ટીમના દરેક સભ્યનું ટીમ બબલમાં દર પાંચમા દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જોકે છેલ્લી સિઝનમાં, દર ત્રીજા દિવસે કોરોના ટેસ્ટ થતો હતો. આ સિવાય જો ફ્રેન્ચાઈઝી ઈચ્છે તો તેના મેમ્બર્સનું ટેસ્ટિંગ પણ કરાવી શકે છે.