ચેન્નઇ સુપર કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, ઇજાના કારણે બે સપ્તાહ માટે બહાર થયો આ ઝડપી બોલર
CSK કેમ્પમાં ખેલાડીઓની સતત ઈજાની સમસ્યાએ માહીની મુશ્કેલીમાં વધારો કર્યો છે
એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ચેન્નઇનો ત્રણ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ચેન્નઈની ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ચેન્નઇનો ફાસ્ટ બોલર Sisanda Magala પણ ઈજાના કારણે લગભગ બે અઠવાડિયા માટે ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે.
CSK કેમ્પમાં ખેલાડીઓની સતત ઈજાની સમસ્યાએ માહીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. મગાલા પહેલા ઝડપી બોલર દીપક ચહર અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પહેલાથી જ ટીમમાંથી બહાર થઇ ગયા છે. રાજસ્થાન સામેની મેચ દરમિયાન આર અશ્વિનનો કેચ લેતી વખતે મગાલા ઈજાગ્રસ્ત થયો હતો.
મેચ બાદ સીએસકેના કોચ સ્ટીફન ફ્લેમિંગે મગાલાની ઈજાની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે મગાલા હવે બે અઠવાડિયા સુધી ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. સાઉથ આફ્રિકાના આ ફાસ્ટ બોલરે માત્ર બે ઓવર નાંખી અને એકપણ વિકેટ લીધા વિના 14 રન આપ્યા હતા. કોચે વધુમાં જણાવ્યું હતું કે બેન સ્ટોક્સ અંગે રોજેરોજ અપડેટ્સ લેવામાં આવી રહ્યા છે અને તે ટૂંક સમયમાં રમવા માટે ફિટ થઈ જશે.
ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ માટે આ એક મોટો ફટકો છે, જે પહેલાથી જ ઈજાગ્રસ્ત ખેલાડીઓ સાથે સંઘર્ષ કરી રહી છે. સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઈજાના કારણે રોયલ્સ સામેની મેચ રમ્યો ન હતો. ચેન્નઈની ટીમને ઈજાના કારણે દીપક ચહરની ખોટ વર્તાઇ રહી છે. જ્યારે મુકેશ ચૌધરી સંપૂર્ણપણે સીઝનમાંથી બહાર છે.
મેચની વાત કરીએ તો રાજસ્થાને ચેન્નઈને ત્રણ રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. રોયલ્સના 176 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સુપર કિંગ્સ છ વિકેટે 172 રન બનાવી શકી હતી. ટીમના ઓપનર ડેવોન કોનવેએ 50, કેપ્ટન ધોનીએ અણનમ 32 અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 25 રન બનાવ્યા હતા. રોયલ્સ તરફથી રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલે બે-બે વિકેટ ઝડપી હતી. રોયલ્સની ચાર મેચમાં ત્રણ જીતથી લખનઉ સુપર જાયન્ટ્સ સાથે છ પોઈન્ટની બરાબરી થઈ ગઈ છે પરંતુ સારી નેટ રન રેટને કારણે ટીમ ટોચ પર છે.
RR vs CSK: રાજસ્થાને રચ્યો ઇતિહાસ, 15 વર્ષ બાદ CSKને ચેપોકમા આપી હાર
Rajasthan Royals Win In Chepauk: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) બુધવારે (12 એપ્રિલ) રાત્રે IPLમાં સામસામે હતા. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ એટલે કે MA ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નઈના ચેપોક ખાતે રમાઈ હતી. આ મેદાનને CSKનો કિલ્લો માનવામાં આવે છે જ્યાં મુલાકાતી ટીમો માટે આ ટીમને હરાવવાનું હંમેશા મુશ્કેલ રહ્યું છે. જો કે, રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં ચેન્નઈના આ કિલ્લાને તોડી પાડ્યો હતો.
રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં CSKને 3 રને હરાવ્યું હતું. રાજસ્થાન માટે આ જીત ઘણી ખાસ હતી. કારણ કે ચેપોકમાં CSK સામે રાજસ્થાનની આ બીજી જીત હતી. તેને 15 વર્ષ પહેલા IPL 2008માં પહેલી જીત મળી હતી. ત્યારબાદ 24 મેના રોજ રમાયેલી મેચમાં રાજસ્થાને ચેન્નઈને 10 રનથી હરાવ્યું હતું. આ પછી છેલ્લા 15 વર્ષમાં રાજસ્થાન ચેપોકમાં ચેન્નઈને એક પણ વાર હરાવી શક્યું નથી.