IPL 2024: હજુ પણ RCB પ્લેઓફ માટે કરી શકે છે ક્વોલિફાઇ? જાણો સાત મેચ હાર્યા બાદ શું છે ગણિત?
RCB IPL 2024 Playoffs Equation:ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 સીઝન અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ખૂબ જ ખરાબ રહી છે
RCB IPL 2024 Playoffs Equation:
RCB IPL 2024 Playoffs Equation: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 સીઝન અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ખૂબ જ ખરાબ રહી છે. ટીમ 8માંથી 7 મેચ હારી છે. 7 મેચ હાર્યા બાદ ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપ હેઠળની બેંગલુરુની ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું RCB અહીંથી પ્લેઓફ માટે ક્વોલિફાઇ થઈ શકશે? તો ચાલો જાણીએ કે બેંગલુરુની લાયકાતનું ગણિત શું કહે છે.
નોંધનીય છે કે અત્યાર સુધી બેંગલુરુએ IPL 2024માં 8 મેચ રમી છે, જેમાં માત્ર એક જ જીત મેળવી છે. એક જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ અને -1.046ના નેટ રન રેટ સાથે 10મા સ્થાને છે. આવી સ્થિતિમાં ટીમ માટે 10મા સ્થાનેથી સીધા ટોપ 4માં પહોંચવું આસાન નહીં હોય. તો શું RCB ખરેખર હજુ પણ લાયક બની શકે છે? ચાલો સમજીએ.
આરસીબી માટે ક્વોલિફાઇનું સમીકરણ શું છે?
પહેલી વાત એ છે કે ક્વોલિફાઈંગ હવે આરસીબીના હાથમાં નથી. એટલે કે, હવે તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. આરસીબી પાસે સીઝનમાં હજુ 6 મેચ રમવાની છે. જો ટીમ તમામ મેચ જીતી જાય છે, તો તેના કુલ 14 પોઈન્ટ હશે. પ્લેઓફમાં જવા માટે કોઈપણ ટીમને ઓછામાં ઓછા 16 પોઈન્ટની જરૂર હોય છે. છેલ્લી સીઝન એટલે કે 2023 IPLમાં RCBએ 14 પોઈન્ટ હાંસલ કર્યા હતા પરંતુ ટીમ ક્વોલિફાઈ થઈ શકી ન હતી.
આવી સ્થિતિમાં ક્વોલિફાય થવા માટે આરસીબીએ પહેલા બાકીની તમામ મેચો જીતવી પડશે. જો ટીમ બાકીની મેચમાંથી એક પણ હારી જાય તો તેના માટે ક્વોલિફાય થવું અશક્ય બની જશે. તમામ મેચો જીત્યા બાદ ટીમે આશા રાખવી પડશે કે અન્ય ટીમોના પરિણામ તેમના પક્ષમાં આવશે, જેથી તે 14 પોઈન્ટ સાથે ટોપ-4માં જગ્યા બનાવી શકે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે બેંગલુરુ ક્વોલિફિકેશનની રેસમાં ક્યાં સુધી પહોંચે છે.