IPL Auction 2024: પેટ કમિન્સ સૌથી મોંઘો, સેમ કરન, ગ્રીન, સ્ટૉક્સ બધાના રેકોર્ડ તૂટ્યા, જાણો અત્યાર સુધીની ઊંચી બોલીઓ.......
દુબઇમાં અત્યારે આઇપીએલ 2024 માટેની મિની ઓક્શન ચાલી રહી છે, આમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન પેટ કમિન્સે IPL ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે
Pat Cummins: દુબઇમાં અત્યારે આઇપીએલ 2024 માટેની મિની ઓક્શન ચાલી રહી છે, આમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન પેટ કમિન્સે IPL ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20.50 કરોડની ઐતિહાસિક બોલી લગાવીને આ ખેલાડીને ખરીદ્યો છે. જેના કારણે પેટ કમિન્સ હવે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આ ખેલાડીએ ઈંગ્લેન્ડના સેમ કરન, ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન, ઈંગ્લેન્ડના બેન સ્ટૉક્સ અને દક્ષિણ આફ્રિકાના ક્રિસ મોરિસ સહિત તમામ જૂના મોંઘા ખેલાડીઓના રેકોર્ડ તોડી નાંખ્યા છે.
પેટ કમિન્સ- સનરાઇઝર્સ હૈદરાબાદ
જ્યારે પેટ કમિન્સનું નામ હરાજીમાં આવ્યું ત્યારે તેની બિડિંગ બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસથી શરૂ થઈ હતી. પ્રથમ બોલી ચેન્નાઈ સુપર કિંગ્સે લગાવી હતી અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે પણ આ ખેલાડીને ખરીદવામાં રસ દાખવ્યો હતો. જે બાદ આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે સ્પર્ધા થઈ અને અંતે પેટ કમિન્સની બોલી 20.5 કરોડ રૂપિયા પર અટકી ગઈ. ચાલો તમને જણાવીએ કે IPLના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી કોણ રહ્યા છે, જેનો રેકોર્ડ આજે પેટ કમિન્સે તોડ્યો છે.
સેમ કરન- પંજાબ કિંગ્સ
IPL 2023ની હરાજીમાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડની જંગી બોલી સાથે ખરીદ્યો હતો. ગયા વર્ષની હરાજી સાથે સેમ કરન IPL ઓક્શન ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો.
કેમરૂન ગ્રીન- મુંબઇ ઇન્ડિયન્સ
આ યાદીમાં ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીનનું નામ સામેલ છે. આ યુવા પેસ બૉલિંગ ઓલરાઉન્ડરને મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2023ની હરાજીમાં 17.50 કરોડ રૂપિયા ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, આ વર્ષની હરાજી પહેલા મુંબઈએ રોકડ સોદામાં આરસીબીને ગ્રીનનો બિઝનેસ કર્યો હતો.
બેન સ્ટૉક્સ- ચેન્નાઇ સુપર કિંગ્સ
ઈંગ્લેન્ડનો વર્લ્ડ ચેમ્પિયન ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ ઘણી વખત મોટી કિંમતે વેચાઈ ચૂક્યો છે. IPL ઓક્શનના ઈતિહાસમાં આ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરના નામ પર ઘણી વખત મોટી બોલી લગાવવામાં આવી છે, પરંતુ IPL 2023ની મિની ઓક્શનમાં સૌથી મોટી બોલી ચેન્નાઈ સુપર કિંગ્સે લગાવી હતી. CSKએ બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો.
ક્રિસ મૉરિસ- સાઉથ આફ્રિકા
આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના એક પેસ બૉલિંગ ઓલરાઉન્ડરનું નામ પણ સામેલ છે. IPL 2021ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયા ચૂકવીને ક્રિસ મૉરિસને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.