જો વરસાદમાં રદ થાય પંજાબ અને મુંબઈ ક્વોલીફાયર-2, તો કોણ પહોંચશે ફાઈનલમાં, જાણો IPL નો નિયમ
IPL 2025 ની ક્વોલિફાયર-2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.

MI vs PBKS Qualifier-2: મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ક્વોલિફાયર-2 માં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ ક્વોલિફાયર-1 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગયા બાદ પંજાબ કિંગ્સ પહેલાથી જ ક્વોલિફાયર-2 માં પહોંચી ગયું છે. હવે પંજાબ અને મુંબઈ વચ્ચે ક્વોલિફાયર-2 માં જે પણ ટીમ આ મેચ જીતશે તે RCB સાથે IPL 2025 ની ફાઇનલ રમશે.
જો મુંબઈ-પંજાબ મેચમાં વરસાદ પડે તો શું થશે ?
IPL 2025 ની ક્વોલિફાયર-2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. પરંતુ જો મુંબઈ અને પંજાબ વચ્ચે રમાનારી ક્વોલિફાયર-2 વરસાદમાં ધોવાઈ જાય તો IPL ના નિયમો અનુસાર લીગ મેચોમાં પોઈન્ટ ટેબલમાં આગળ રહેલી ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. જોવામાં આવે તો પંજાબની ટીમ 19 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી જ્યારે મુંબઈની ટીમ 16 પોઈન્ટ સાથે ચોથા નંબરે હતી. આવી સ્થિતિમાં જો વરસાદને કારણે મેચ રદ થાય છે તો પંજાબની ટીમ રમત રમ્યા વિના ફાઇનલમાં પહોંચી જશે.
ક્વોલિફાયર-2 માટે વધારાનો સમય
જો વરસાદ મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચમાં થોડા સમય માટે વિક્ષેપ પાડે છે તો IPLમાં પ્લેઓફ મેચો માટે થોડો વધારાનો સમય રાખવામાં આવે છે. જો ક્વોલિફાયર-2 મોડી શરૂ થાય તો પણ મેચ પૂર્ણ કરવા માટે વધારાની 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપી શકાય છે. પરંતુ જો મેચ વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ જાય તો કોઈ રિઝર્વ ડે ઉપલબ્ધ રાખવામાં આવ્યો નથી.
ક્વોલિફાયર-2 ક્યારે અને ક્યાં યોજાશે ?
IPL 2025 ની ક્વોલિફાયર-2 1 જૂને સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ પછી IPL ની ફાઇનલ મેચ પણ 3 જૂને આ જ સ્ટેડિયમમાં યોજાશે. IPL ની ફાઇનલ અગાઉ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રાખવામાં આવી હતી. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે તેને અમદાવાદ ખસેડવામાં આવી છે.
ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે
IPL 2025 ની ફાઇનલ 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જો વરસાદ અથવા કોઈપણ કારણોસર મેચ રદ જાહેર કરવામાં આવે છે તો ફાઇનલ મેચ 4 જૂને યોજાશે. કારણ કે નિયમો મુજબ, 4 જૂનને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વરસાદને કારણે જો આઈપીએલ 2025ની ફાઈનલ મેચ ન રમાય તો બીજા દિવસે એટલે કે 4 જૂનના રોજ ફાઈનલ મેચ રમાશે.




















