ગુજરાતમાં કુપોષણ વધારે હોવાની રાજ્યના મંત્રીની જ કબૂલાતઃ કુપોષણ ઘટાડવા માટે લોકોને શું અપાશે ?
રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશે પટેલે કહ્યું કે, આવનારા સમયમાં બાળકો અને ખાસ કરીને કિશોરીઓ કુપોષિત ન રહે એવા સરકાર પ્રયાસો કરશે
સુરતઃ ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ વધુ હોવાના આક્ષેપ વિપક્ષો દ્વારા લાંબા સમયથી થાય છે. હવે આ વાત ગુજરાત સરકારના મંત્રીએ જ સ્વીકારી છે. ગુજરાતમાં કુપોષણ વધુ હોવાની વાત ખુદ રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલે સ્વીકારી છે.
રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશે પટેલે કહ્યું કે, આવનારા સમયમાં બાળકો અને ખાસ કરીને કિશોરીઓ કુપોષિત ન રહે એવા સરકાર પ્રયાસો કરશે. નરેશ પટેલે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કહ્યું કે, ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા વધારે છે એટલે સસ્તા અનાજ ની દુકાનમાં અનાજ વધારવાની જરૂર છે.
નવસારીના બી. આર. ફાર્મમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ પર્મુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કક્ષા અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ અને તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વેપારીઓ ગ્રાહકોને કેવી રીતે છેતરે છે એ દર્શાવતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. સાથે જ ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકો ઓનલાઈન ફરિયાદ કરી શકે એ વિશેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સમારોહમાં અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ ગુજરાતમાં કુપોષણ વધુ હોવાની વાત સ્વીકારી હતી. તેમણે ગરીબોને મળતા અનાજમાં તેલની માત્રા વધારવા સાથે ચણાની દાળ પણ જોડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતુ. સાથે જ રાશનની દુકાનોમાં થતાં કાળા બજાર રોકવા માટે રાજ્યના તમામ રાશન કાર્ડ મોબાઇલ એપથી જોડી દેવાશે એવી જાહેરાત કરી હતી. મોબાઇલ એપ થકી ગ્રાહકને કેટલો અનાજનો જથ્થો મળે છે એની સંપૂર્ણ માહિતી મળી શકશે. સાથે જ ગ્રાહક ફરિયાદ પણ નોંધાવી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાનું લોન્ચીંગ 25 ડિસેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.