BSNLએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ટેન્શમાં આવ્યા Jio, Airtel અને Vi
BSNL vs Jio, Airtel, Vi: જિઓ, એરટેલ અને વીઆઈ દ્વારા રિચાર્જ પ્લાન્સની કિંમત વધારવા પછી BSNL સમગ્ર દેશમાં ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. પોતાના યુઝરબેઝને વધારવા માટે કંપનીએ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે.
BSNL: ભારતની ખાનગી ટેલિકોમ કંપનીઓ એટલે કે જિઓ, એરટેલ અને વોડાફોન-આઈડિયાએ જ્યારથી પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પ્લાન્સની કિંમતમાં વધારો કર્યો છે ત્યારથી લાખો ગ્રાહકોએ ભારતની સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તરફ વળવાનું શરૂ કરી દીધું છે.
BSNLનો થયો ફાયદો
BSNLએ પણ આ તકનો લાભ લેવાનું શરૂ કરી દીધું છે અને તેના માટે દરેક જરૂરી પગલાં લેવા લાગી છે. છેલ્લા લગભગ એક મહિનામાં BSNLએ લાખો નવા ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે અને BSNLમાં નંબર પોર્ટ કરાવનારા ગ્રાહકોની સંખ્યામાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે.
હવે BSNLએ પોતાના 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ કર્ણાટકમાં એક ખાસ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીએ આ રાજ્યમાં 501 4G સાઈટ્સને સક્રિય કરી છે. BSNLનું આ પગલું ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી ગેપને ઘટાડવાની દિશામાં એક મોટું પગલું સાબિત થાય છે.
BSNLએ પોતાના એક અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ BSNLનો લક્ષ્ય ગામડે ગામડે હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડવાનો છે.
સમગ્ર દેશમાં 10,000 સાઈટ્સ
જણાવી દઈએ કે BSNLની આ સિદ્ધિ સરકારની 'આત્મનિર્ભર ભારત' પહેલ હેઠળ તેમની પ્રગતિને દર્શાવે છે. કંપનીએ પહેલેથી જ સમગ્ર દેશમાં 10,000 4G સાઈટ્સની સ્થાપના કરી છે. આ ઉપરાંત, BSNLએ ગ્રાહકોને મફત 4G સિમ અપગ્રેડ અને મફત 4GB ડેટા પણ પ્રદાન કર્યો છે.
BSNLના આ પગલાથી કર્ણાટકના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિને પ્રોત્સાહન મળશે. આનાથી ત્યાંના સ્થાનિક લોકોને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં ડિજિટલ સેવાઓનો લાભ લેવામાં મદદ મળશે. BSNL પોતાના આ અભિયાનને ભારત દેશના દરેક રાજ્યના દરેક ગામ સુધી પહોંચાડવા માંગે છે.
BSNL એ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે BSNL 4G અને 5G નેટવર્ક માટે દેશભરમાં લગભગ 1.12 લાખ ટાવર લગાવશે. કંપનીએ અત્યાર સુધીમાં 12,000 4G ટાવર લગાવ્યા છે, જેમાંથી 6,000 ટાવર પંજાબ, ઉત્તર પ્રદેશ પશ્ચિમ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા સર્કલમાં સક્રિય છે. BSNL એ 4G સેવા માટે TCS, તેજસ નેટવર્ક અને સરકારી ITI સાથે ભાગીદારી કરી છે.
તમને જણાવી દઈએ કે BSNL 4G આ મહિનાની શરૂઆતમાં તમિલનાડુના તિરુવલ્લુવર જિલ્લામાં લોન્ચ કરવામાં આવ્યું છે. BSNL 4Gના આ લોન્ચથી નોચિલી, કોલાથુર, પલ્લીપેટ, થિરુવેલ્લાવોયલ અને પોનેરી જેવા વિસ્તારોને ફાયદો થશે. BSNL અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ પછી, 4G રોલઆઉટ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં કરવામાં આવશે.