Centre Advisory: મંજૂરી વિના લોન્ચ નહી થાય કોઇ AI પ્રોડક્ટ, કંપનીઓ માટે સરકારે જાહેર કરી એડવાઇઝરી
Centre Advisory: મંત્રાલયે એઆઈના દુરુપયોગ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પણ આકરી ટીકા કરી હતી.
Centre Advisory to Tech Companies: ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ટેક કંપનીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે એઆઈના દુરુપયોગ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પણ આકરી ટીકા કરી હતી.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંબંધિત કંપનીઓ દેશમાં તેમના AI પ્રોડક્ટ્સ લોન્ચ કરતા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેશે. આ સાથે તમામ ઇન્ટરમીડિયરીઝને તાત્કાલિક એડવાઇઝરીનું પાલન કરવા અને 15 દિવસમાં એક્શન-કમ-સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સરકારે પોતાની એડવાઈઝરીમાં શું કહ્યું
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું હતું કે તમામ મધ્યસ્થીઓ/પ્લેટફોર્મને સલાહ આપવામાં આવે છે કે તેઓ એઆઈના કારણે યુઝર્સને થતા નુકસાન-ખોટી માહિતી, ખાસ કરીને ડીપફેક્સને લગતા નિયમોનું પાલન સુનિશ્ચિત કરે.
સરકારે એડવાઈઝરીમાં એમ પણ કહ્યું છે કે AI-આધારિત કન્ટેટને કોઇ કાયમી મેટા ડેટા અથવા અન્ય કોઈ ઓળખ સાથે રિલીઝ કરવી જોઈએ, જેથી જો કોઈ ફેક ન્યૂઝ અથવા ડીપફેકમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તેના ક્રિએટરની ઓળખ થઈ શકે.
'પ્રોડક્ટ લોન્ચ કરતા પહેલા નિયમોનું પાલન જરૂરી'
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે AI જેવી ટેક્નોલોજી માટે આ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ટેક્નોલોજીનો કોઈ પ્રોટેક્ટર નથી. અમે એક એવી સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં પ્રોડક્ટ લૉન્ચ કરતા પહેલા વધુ સખ્ત નિયમો જરૂરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો કોઈ પણ AI મોડલને 'અંડર-ટેસ્ટિંગ'ના લેબલ સાથે માર્કેટમાં લૉન્ચ કરવું હોય તો પણ તેને સરકાર દ્વારા મંજૂરી લેવી પડશે.
વાસ્તવમાં ગૂગલના AI ટૂલ જેમિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નનો કથિત રીતે પક્ષપાતી જવાબ આપ્યો હતો. ત્યારથી જેમિનીના પ્રોગ્રામિંગને લગતી ચર્ચા વધુ તીવ્ર બની છે. ત્યાર બાદ જ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા AI સંબંધિત એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.