UPI થી ખોટા એકાઉન્ટમાં મોકલી દીધા પૈસા, રિફંડ મેળવવાની છે આ સરળ રીત
જો UPIમાંથી પેમેન્ટ દરમિયાન પૈસા કોઈ બીજાના ખાતામાં જાય છે, તો તેને રિફંડ મેળવવાના વિકલ્પો છે
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વડે નાણાંની લેવડદેવડ સરળ બની છે. તમે થોડીક સેકંડ્સમાં કોઈને પણ પૈસા મોકલી શકો છો. સામાન્ય સ્ટોર્સથી શાકભાજીની દુકાનો સુધી UPI ચુકવણી માટે QR ચૂકવણી ઉપલબ્ધ છે. આપણે ફક્ત તેને સ્કેન કરીને સરળતાથી પેમેન્ટ કરીએ છીએ. પરંતુ ધારો કે તમે UPI દ્વારા ચૂકવણી કરી રહ્યા છો અને તમારી ભૂલથી પૈસા કોઈ બીજાના બેન્ક એકાઉન્ટ્સમાં જતા રહે છે. ઘણી વખત આવી ભૂલો ઉતાવળમાં થઈ જાય છે. તો આવી સ્થિતિમાં પૈસા રિફંડ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ, આવો અમે તમને જણાવીએ.
જો UPIમાંથી પેમેન્ટ દરમિયાન પૈસા કોઈ બીજાના ખાતામાં જાય છે, તો તેને રિફંડ મેળવવાના વિકલ્પો છે. તમે આ અંગે ફરિયાદ પણ નોંધાવી શકો છો. જો તમે Paytm, GPay, PhonePe જેવી એપ દ્વારા પેમેન્ટ કર્યું છે, તો સૌથી પહેલા તમે એપ ગ્રાહક સેવા પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. પછી તમે તમારી બેંકના હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો. આ સિવાય તમારા ફોન પર મળેલા પૈસા સેન્ડ થયેલા મેસેજને ડિલીટ ન કરો. આ મેસેજની વિગતોની જરૂર પડી શકે છે.
આરબીઆઈ માર્ગદર્શિકા
રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર, જો તમે ખોટા એકાઉન્ટ્સમાં પૈસા મોકલ્યા છે, તો આ કિસ્સામાં તમે bankingombudsman.rbi.org.in પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમારે તમારા રિફંડ માટે બેંકમાં અરજી સબમિટ કરવી પડશે. આ સાથે તમારે તમારા બેંક ખાતાની સંપૂર્ણ વિગતો અને તે ખાતાની વિગતો પણ જણાવવી પડશે જેમાં તમે ભૂલથી પૈસા મોકલ્યા છે. જો તમે જાણો છો કે તમે ભૂલથી કોના ખાતામાં પૈસા મોકલી દીધા છે અને તે પૈસા પરત કરી રહ્યા નથી. આવી સ્થિતિમાં તમે NPCIની વેબસાઈટ પર જઈને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.
આ રીતે ફરિયાદ કરો
જો તમે NPCIની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવવા ઈચ્છો છો તો તમારે તેની વેબસાઈટ પર જવું જોઈએ. અહીં Dispute Redressal Mechanism સુધી નીચે સ્ક્રોલ કરો. નીચે ટ્રાન્ઝેક્શન ટેબ જોવા મળશે. તેને એક્સ્પેન્ડ કરો. પછી તમારે ટ્રાન્ઝેક્શન નેચર, ઈસ્યુ, ટ્રાન્ઝેક્શન આઈડી, બેંક, રકમ, ટ્રાન્ઝેક્શનની તારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરવાની રહેશે. આ રીતે તમે તમારા રિફંડ માટે ફરિયાદ નોંધાવી શકશો.