કરોડો મોબાઇલ યૂઝર્સ માટે લૉન્ચ થઇ Sanchar Saathi એપ, હવે ફેક કૉલ અને મેસેજને ફોનથી જ કરો રિપોર્ટ
Sanchar Saathi App: દેશના ૧૨૦ કરોડ મોબાઇલ યૂઝર્સને સંચાર સાથી પૉર્ટલનો લાભ મળશે. મોબાઇલ યૂઝર્સ તેમના સ્માર્ટફોનથી જ નકલી કૉલ્સ અને મેસેજોની જાણ કરી શકશે

Sanchar Saathi App: DoT એ છેતરપિંડીભર્યા કૉલ્સ અને મેસેજોની જાણ કરવા માટે સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર અને પૂર્વોત્તર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દૂરસંચાર વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મોબાઇલ એપ લૉન્ચ કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય બ્રૉડબેન્ડ મિશન 2.0 પણ શરૂ કર્યું છે, જેમાં દેશના દરેક ગામડામાં ફાઇબર બ્રૉડબેન્ડ સેવા પૂરી પાડવામાં આવશે. 2017 માં મોદી સરકારે રાષ્ટ્રીય બ્રૉડબેન્ડ મિશનની જાહેરાત કરી હતી, જેના દ્વારા દેશની દરેક ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઇબર (OFC) પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.
સંચાર સાથી એપ લૉન્ચ -
દેશના ૧૨૦ કરોડ મોબાઇલ યૂઝર્સને સંચાર સાથી પૉર્ટલનો લાભ મળશે. મોબાઇલ યૂઝર્સ તેમના સ્માર્ટફોનથી જ નકલી કૉલ્સ અને મેસેજોની જાણ કરી શકશે. સંચાર સાથી પૉર્ટલ સરકાર દ્વારા 2023 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પૉર્ટલ દ્વારા નકલી કૉલ્સ અને મેસેજની જાણ કરવા ઉપરાંત વ્યક્તિ ખોવાયેલા મોબાઇલ ફોનનો IMEI પણ બ્લૉક કરી શકે છે અને તેના આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ નંબર પણ ચકાસી શકે છે. યૂઝર્સને હવે આ બધી સુવિધાઓ મોબાઇલ એપ દ્વારા મળશે.
કેન્દ્રીય મંત્રીએ ભારતના વધતા ડિજિટલ અર્થતંત્રમાં મોબાઇલ યૂઝર્સના યોગદાનનો ઉલ્લેખ કર્યો. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત મિશનમાં ટેકનોલોજીના યોગદાન વિશે વાત કરવામાં આવી છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા નેશનલ બ્રૉડબેન્ડ મિશન 2.0 દ્વારા દેશભરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરવામાં આવશે.
સંચાર સાથી વિશે બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પૉર્ટલ દ્વારા 9 કરોડ યૂઝર્સને લાભ થયો છે. ૫ કરોડ નકલી મોબાઇલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે. આ પૉર્ટલ દ્વારા 25 લાખ યૂઝર્સના ખોવાયેલા ફોનમાંથી 15 લાખ મોબાઇલ ફોન પાછા મેળવી શકાય છે. DoT અનુસાર, કૉમ્યૂનિકેશન પાર્ટનર્સને જાણ કર્યા પછી 3.13 લાખ મોબાઇલ હેન્ડસેટ બ્લૉક કરવામાં આવ્યા છે. ૨.૭૫ કરોડ મોબાઇલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ પૉર્ટલ દ્વારા 71 હજારથી વધુ સિમ કાર્ડ વેચનારને બ્લેકલિસ્ટ કરવાનું કામ કરવામાં આવ્યું છે. વધુમાં, ૧૮૬ બલ્ક એસએમએસ મોકલનારાઓ અને ૧.૩ લાખ એસએમએસ ટેમ્પ્લેટ્સ બ્લૉક કરવામાં આવ્યા છે. વધુમાં ૧૨ લાખ વોટ્સએપ એકાઉન્ટ અને ૧૧ લાખ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
ક્યાંથી કરશો ડાઉનલૉડ ?
તમે સંચાર સાથી વેબસાઇટ પર ઉપલબ્ધ QR કૉડ સ્કેન કરીને તમારા સ્માર્ટફોન પર સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલૉડ કરી શકો છો. આ ઉપરાંત, તમે આ એપને ગૂગલ પ્લે સ્ટૉર અથવા એપલ એપ સ્ટૉર પરથી શોધી અને ડાઉનલૉડ કરી શકો છો. એપ ડાઉનલૉડ કર્યા પછી તમે તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરી શકો છો અને તેની સુવિધાઓનો લાભ લઈ શકો છો.
આ પણ વાંચો
Saif Ali Khan Attacked: આ 5 સ્માર્ટ ગેઝેટ્સ તમારા ઘરને ચોરોથી રાખશે સુરક્ષિત




















