WhatsAppથી ખતરો! અમેરિકાએ પણ હવે આ એપ રિમૂવ કરવાનો આપ્યો આદેશ, જાણો કેમ
Whatsapp: હવે અમેરિકામાં વોટ્સએપને લઈને એક નવી ચિંતા ઉભી થઈ છે. યુએસ સંસદ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' એ સુરક્ષા કારણોસર તમામ સરકારી ઉપકરણોમાંથી વોટ્સએપ દૂર કરવાનો આદેશ જાહેર કર્યો છે.

Whatsapp: હવે અમેરિકામાં વોટ્સએપને લઈને એક નવી ચિંતા ઉભી થઈ છે. યુએસ સંસદ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' એ સુરક્ષા કારણોસર તમામ સરકારી ઉપકરણોમાંથી વોટ્સએપ દૂર કરવાનો આદેશ જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, ડેટા ગોપનીયતા અને સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે એક સત્તાવાર મેમો દ્વારા સંસદના તમામ કર્મચારીઓને આ નિર્ણયની માહિતી આપવામાં આવી હતી.
ગૃહના મુખ્ય વહીવટી અધિકારી (CAO) હેઠળ કામ કરતી સાયબર સુરક્ષા કચેરીએ ચેતવણી આપી છે કે, વોટ્સએપ યુઝર ડેટાની સુરક્ષા અંગે પારદર્શિતા જાળવી રાખતું નથી અને તેમાં ઘણી સુરક્ષા ખામીઓ છે. આ કારણે, તેને " હાઇ રિસ્કી એપ્લિકેશન" માનવામાં આવી છે.
મોબાઇલ અને ડેસ્કટોપ પરથી પણ WhatsApp દૂર કરવું પડશે
CAO એ નિર્દેશ આપ્યો છે કે, WhatsApp ફક્ત મોબાઇલ પરથી જ નહીં, પરંતુ ડેસ્કટોપ અને વેબ બ્રાઉઝર્સમાંથી પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે ઉપકરણોમાં WhatsApp જોવા મળે છે તેનો સંપર્ક કરવામાં આવશે અને તેને દૂર કરવામાં આવશે. વિકલ્પ તરીકે, કર્મચારીઓને સિગ્નલ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, વિકર, એપલના iMessage અને FaceTime જેવી સુરક્ષિત એપ્લિકેશનોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમને અજાણ્યા નંબરોથી આવતા સંદેશાઓ અને ફિશિંગ હુમલાઓથી સાવધ રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.
જોકે, WhatsApp ની પેરેન્ટ કંપની Meta એ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. Meta પ્રવક્તા એન્ડી સ્ટોને કહ્યું કે WhatsApp માં ડિફોલ્ટ રૂપે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન છે, જેથી ફક્ત મોકલનાર અને પ્રાપ્તકર્તા જ સંદેશ વાંચી શકે અને WhatsApp પોતે નહીં.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે CAO ની મંજૂર એપ્લિકેશનોની મોટાભાગની સૂચિમાં આ સુરક્ષા સુવિધા નથી. Meta એ આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં યુએસ સંસદના સભ્યો ફરીથી WhatsAppનો ઉપયોગ કરી શકશે, જેમ કે સેનેટમાં થઈ રહ્યું છે.
ઈરાને પણ તેને દૂર કરવાનો આદેશ આપ્યો છે
નોંધનીય છે કે, જાન્યુઆરીમાં એવું બહાર આવ્યું હતું કે ઈઝરાયેલી સ્પાયવેર કંપની 'પેરાગોન સોલ્યુશન્સ' એ વોટ્સએપ દ્વારા ઘણા પત્રકારો અને નાગરિક અધિકાર કાર્યકરોને નિશાન બનાવ્યા હતા. આનાથી પહેલાથી જ એપની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થયા છે.
આ ઉપરાંત, તાજેતરમાં ઈરાને પણ તેના નાગરિકોને વોટ્સએપ ડિલીટ કરવાની સલાહ આપી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે એપ દ્વારા લોકેશન જેવી સંવેદનશીલ માહિતી લીક થઈ રહી છે જે ઈઝરાયેલી સેના સુધી પહોંચી શકે છે. જોકે, મેટાએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.
આ રીતે, હવે અમેરિકા અને ઈરાન બંનેએ સુરક્ષા દૃષ્ટિકોણથી વોટ્સએપને શંકાસ્પદ માનીને પોતપોતાના સ્તરે પગલાં લીધા છે, જેના કારણે ફરી એકવાર એપની પ્રાઇવેસી અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે.





















