વડોદરાઃ શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર કોલેજના જ વાનચાલકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સગીર વિદ્યાર્થિનીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તે જે વાનમાં કોલેજ જતી હતી, તેના જ ચાલકે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
2/4
યુનિ.ના પૂર્વ સંચાલક જયેશ પટેલ દ્વારા નિર્સિંગની કોલેજની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવ્યા પછી યુનિ.ની વધુ એક વિદ્યાર્થિની પર બળાત્કાર થતાં ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે, વિદ્યાર્થિનીએ કોલેજના વાનચાલક પ્રદીપ રાઠોડ (ઉ.વ.24) નામના યુવાન સામે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વાનચાલક પ્રદીપ ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થિનીને ભગાડી ગયો હતો. દરમિયાન પ્રદીપે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ વિદ્યાર્થિનીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
3/4
બળાત્કારનો આરોપી પ્રદીપ નરોત્તમભાઇ રાઠોડ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિજયનગરનો રહેવાસી છે. તે પીડિતાને વાનમાં કોલેજ લેવા-મૂકવા જતો હતો. ત્યારે આ અગાઉ વાનચાલકે વિદ્યાર્થિનીને ઝેરી દવા પી જવાની ધમકી પણ આપી હતી. ગત 17 ઓગષ્ટના રોજ વિદ્યાર્થિની ઘરેથી ટ્યૂશન જવાનું કહીને ગઇ હતી, પરંતુ ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હતી. જેથી તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.
4/4
શોધખોળ બાદ પણ વિદ્યાર્થિનીનો કોઇ પત્તો ન લાગતા પરિવારજનોએ વાનચાલક પ્રદીપનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતાંવિદ્યાર્થિનીની માતાને વાનચાલક પર શંકા ગઈ હતી. કારણ કે આ અગાઉ પ્રદીપ વિદ્યાર્થિનીને ભગાડી ગયો હતો. તેમજ સાથે ન આવે તો ઝેર પીને મરી જવાની ધમકી આપી હતી. પોલીસે આરોપી પ્રદિપની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ તેને મેડિકલ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી દેવાયો હતો.