વડોદરાઃ કોગ્રેસ નેતા અને તેના પુત્ર એક લાખની લાંચ લેતા કેમેરામાં કેદ, વીડિયો વાયરલ
વડોદરાઃ વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષ નીલાબેન ઉપાધ્યાયના પતિ અને જિલ્લા કોગ્રેસ સમિતિના મહામંત્રી સતીષ ઉપાધ્યાય અને તેમના પુત્ર અભિષેક ઉપાધ્યાય ખેડૂતની જમીન એન.એ કરાવવાના મામલે એક લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. એસીબીએ આ સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો બનાવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, વડોદરા જિલ્લા પંચાયતની ઓફિસમાં આવતી જમીનોની ફાઈલ ક્લિયર કરાવવા લાંચ લઇ છેતરપિંડીને પોતાનો ધંધો બનાવી દેનારા પિતા પુત્રનો પર્દાફાશ થયો હતો. સતીષ ઉપાધ્યાય અને તેમના પુત્ર અભિષેક ઉપાધ્યાયે જિલ્લા પંચાયતની ઓફિસને પોતાના બેનંબરી ધંધાનું સાધન બનાવી દીધું હતું.
પાદરા તાલુકાના પિયુષ પટેલ નામના ખેડૂતની જમીન એન.એ કરાવવા માટે અભિષેક ઉપાધ્યાયે જિલ્લા પંચાયતના છઠા માળે મિટિંગ કરી હતી. વીડિયોમાં સાંભળી શકાય છે કે સતીશ ઉપાધ્યાય ખેડૂત ને કહે છે કે તમારી જમીન પાસ કરાવવા માટે દોઢ લાખ રૂપિયા આપવા પડશે અને એડવાન્સ માં એક લાખ રૂપિયાની માંગ કરી હતી.
વડોદરા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સતીશ ઉપાધ્યાય તેમના વાઘોડિયા રોડ સ્થિત ઘરની બહાર ખેડૂત ને બોલાવે છે અને જેવી એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારે છે તરત જ એ.સી.બી એ સતીશ ઉપાધ્યાયને રંગેહાથ ઝડપી લે છે. સતીશ ઉપાધ્યાય અને તેમના પુત્ર અભિષેકની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જોકે, બાદમાં બંન્નેને 50 - 50 હજાર ના શરતી બોન્ડ પર જામીન મળી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ બંન્ને પાર્ટીમાંથી 6 - 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દીધા છે.





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
