(Source: ECI/ABP News/ABP Majha)
જોધપુરઃ પ્રેગનન્ટ મહિલાના ઓપરેશન દરમિયાન લડવા લાગ્યા ડોક્ટર, નવજાત બાળકીએ તોડ્યો દમ
જોધપુરઃ રાજસ્થાનના જોધપુર શહેની ઉમ્મેદ હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન ઓપરેશન થિયેટરમાં ઝઘડો કરી રહેલા ડોક્ટરોનો એક વીડિયો વાયરલ થયો છે. એક પ્રેગનન્ટ મહિલાનું ઓપરેશન ચાલી રહ્યું હતું તે દરમિયાન કોઇ વાતને લઇને બે ડોક્ટરો લડવા લાગ્યા હતા. પરિણામે ઓપરેશનમાં મોડુ થતાં જન્મની સાથે જ નવજાત બાળકીના ધબકારા ધીમા પડતા તેનું મોત થયું હતું.
વીડિયોમાં જોઇ શકાય છે કે ઓપરેશન થિયેટરના ટેબલ પર એક પ્રેગનન્ટ મહિલા બેહોશ પડી છે જેનું ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ ડોક્ટરો દર્દી પર ધ્યાન આપવાના બદલે આપસમાં ઝઘડી પડે છે. બંન્ને ડોકટરોને કોઇ પરવાહ નથી કે તેમની આ લડાઇ દર્દી માટે જીવલેણ બની શકે છે. આ વીડિયો 29 ઓગસ્ટનો છે.
ઘટના પ્રમાણે, રાતાનાડાની રહેવાસી અનીતા મંગળવાર સવારે ડિલીવરી માટે ઉમ્મેદ હોસ્પિટલ આવી હતી. તેને પહેલા લેબર પેઇન થયું હતું જેને કારણે ડો. ઇન્દ્રા ભાટીએ તેને ચેક કરી તો ખ્યાલ આવ્યો કે તેના પેટમાં બાળકના ધબકારા ધીમા પડ્યા હતા.
જેને કારણે અનીતાને તરત જ સિઝેરીયન ડિલિવરી માટે ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવી. ઓપરેશન થિયેટરમાં એક ટેબલ પર ગાયનેકોલોજીસ્ટ ડો.અશોક નેનીવાલ (લીલા ગાઉનમાં) એક અન્ય મહિલાનું ઓપરેશન કરી રહ્યા હતા.
અનીતાને અન્ય ટેબલ પર લઇ જવામાં આવી જ્યાં એનેસ્થિસિસ્ટ અને ઓટી ઇન્ચાર્જ ડો એમ.એલ ટાંક (વાદળી ગાઉનમાં) બાળકના ધબકારા તપાસવા અન્ય ડોક્ટરને કહી રહ્યા હતા. આ દરમિયાન ડો.અશોક ઓપરેશન છોડી ડો.ટાંક પર ભડકી ગયા હતા અને તેમની સાથે લડવા લાગ્યા હતા.
આ દરમિયાન ટાંક પર અનીતાને છોડીને ડો. અશોક સામે જીભાજોડી કરવા લાગ્યા હતા. ઓપરેશન થિયેટરમાં હાજર નર્સિગ સ્ટાફે બંન્ને ડોક્ટરોને ખૂબ સમજાવ્યા પરંતુ બંન્ને માન્યા નહોતા. ઓપરેશન મોડુ થતાં અનીતાની નવજાત બાળકીનું મોત થયું હતું. ઓપરેશન થિયેટરમાં હાજર સ્ટાફે આ વીડિયો બનાવ્યો હતો. વીડિયો સામે આવતા રાજ્ય સરકારે ડો.અશોક નૈનીવાલને એપીઓ કરી દેવામાં આવ્યા છે જ્યારે ટાંક પર એક્શન માટે કાર્મિક વિભાગને ફાઇલ મોકલવામાં આવી છે