પાટીદાર ન્યાય મહાપંચાયત અગાઉ હાર્દિકે કહ્યું- ભાજપના 23 ધારાસભ્યો ગમે ત્યારે છોડી શકે છે પાર્ટી
મોટી માલવણ: પાટીદાર નેતા હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના મોટી માલવણમાં પાટીદાર ન્યાય મહાપંચાયતમાં ભાગ લેવા પહોંચ્યો હતો. આ અગાઉ એબીપી અસ્મિતાના સાથે વાતચીત કરી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, ભાજપ નીતિન પટેલનું રાજકીય એન્કાઉન્ટર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભાજપના નારાજ 23 ધારાસભ્યો ગમે ત્યારે પાર્ટી છોડી શકે છે.
હાર્દિકે કહ્યું હતું કે, અનામતનો મુદ્દો એ યુવાનના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આ મહાપંચાયતમાં 25000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે. ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે આજે સાંજે ૭:૦૦ વાગ્યે પાસ સમિતિના આગેવાન હાર્દિક પટેલની અધ્યક્ષતામાં પાટીદાર ન્યાય મહા પંચાયત યોજાશે.
લોકસભાની ચૂંટણી તેમજ સરકાર સામે ફરી આંદોલન શરૂ કરવા માટે પાસના આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવશે. પાસના પૂર્વ કન્વિનર દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પત્ર લખીને હાર્દિકને નિશાન બનાવ્યો હતો. તેણે પત્રમાં હાર્દિકને અહંકારી ગણાવ્યો હતો. મહાપંચાયત પર બાંભણિયાએ કહ્યું કે આ કાર્યક્રમ ફક્ત વ્યક્તિગત પ્રતિષ્ઠા વધારવા માટે યોજવામાં આવી રહ્યો છે. કોગ્રેસે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવેશ કરવાની વાત સ્વીકારી નહી છતાં કોગ્રેસને ખુલ્લુ સમર્થન આપ્યું.