Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
સુરતમાં 29 હનીટ્રેપ ગેંગ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેંગના સભ્યો સોશિયલ મીડિયા અને લિફ્ટ મેળવવાના બહાને રત્નકલાકારોને ટાર્ગેટ કરતા હતા. 6 દિવસમાં આ મશરૂ ગેંગ સામે 3 ફરિયાદ નોંધાઈ. એક રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી ખંડણી વસૂલવા આવેલો આ ગેંગનો સાગરિત CCTVમાં કેદ થયો છે. જેમાં ફરિયાદી પૈસા લેવા માટે તેના મિત્રની ઓફિસ પર આવે છે. આ સમયે આરોપી પણ ફરિયાદીની સાથે રહે છે. ફરિયાદીએ તેના મિત્ર પાસેથી 40 હજાર રૂપિયા ઉછીના લઈને આરોપીને આપ્યા હોવાનું સામે આવ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 19 જુલાઈએ કતારગામમાં એક યુવકને હનીટ્રેપનો શિકાર બનાવી 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. યુવકે દોઢ લાખની વ્યવસ્થા કરતા મશરૂ ગેંગના સાગરિતે 5 લાખમાં ડીલ ફાઈનલ કરી હતી. ત્યારબાદ 21 જુલાઈએ એક રત્નકલાકારને સોશલ મીડિયાના માધ્યમથી જાળમાં ફસાવવામાં આવ્યો. દુષ્કર્મમાં ફસાવવાની ધમકી મળતા આ રત્નકલાકારે પોલીસની મદદ લીધી હતી. 22 જુલાઈએ કામરેજમાં 51 વર્ષના રત્નકલાકાર પાસે એક મહિલાએ લિફ્ટ માંગી. મહિલાએ મળવા અને ફરવાનું કહી આધેડ વ્યકિતને ગલતેશ્વર લઈ ગઈ. ત્યાં ગેંગના સાગરિતો પહોંચ્યા અને ડ્રગ્સ, દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 10 લાખની ખંડણી માગી. આબરૂના ડરે ભોગ બનનારે સાડા ત્રણ લાખ રૂપિયા ચૂકવી આપ્યા.





















