Hun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?
તાપી જિલ્લાના માંડલ ટોલનાકા પર સ્થાનિકોએ મચાવ્યો હલ્લાબોલ...નેશનલ હાઈવે નંબર 53 પર આવેલા આ ટોલનાકા પર છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ટોલમાંથી મુક્તિની માગ કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં માગ ન સંતોષાતા સ્થાનિકો રોષે ભરાયા અને માંડલ ટોલનાકા પર ચક્કાજામ કર્યો. જેના કારણે હાઈવે 6 કલાક બંધ રહ્યો. વિરોધ કરી રહેલા સ્થાનિક આગેવાનો પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરી, આગેવાન પ્રવિણ શાહ અને એડવોકેટ નીતિન પ્રધાનને પોલીસે ડિટેઈન કર્યા. અને વાહન વ્યવહાર પુન:શરૂ કરાવવામાં આવ્યો. ટોલ મુક્તિને લઈને આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. જેને લઈને ટોલનાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે..
રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં પીઠડીયા ટોલ પ્લાઝાના દરોમાં ફેરફાર કરતા લોકો રોષે ભરાયા છે. પીઠડીયા ટોલ પ્લાઝાનો ટોલ ટેક્સ 45 રૂપિયાથી ઘટાડીને 35 રૂપિયા કરવામાં આવ્યો. જ્યારે લોકલ દર 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યો. જેથી આ મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને સહિત અન્ય સંસ્થાઓએ રોષ વ્યક્ત કરી આવેદન પત્ર પાઠવ્યું. અને લોકલ ટોલ દર ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. હાલ જેતપુરથી રાજકોટ વચ્ચે સિક્સલેન રોડ બનાવવાનું કામ ચાલુ છે. ઠેર ઠેર રોડ ખોદી નાખવામાં આવ્યા હોવાથી વાહનચાલકોને સિંગલપટ્ટી રોડ પર જ વાહન ચલાવવું પડે છે. અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 6 મહિના પહેલા પણ લોકલ ટોલ ચાર્જ વધારો કરવામાં આવતા આંદોલન થયું હતું. ત્યારે હવે ફરી એક વાર મુદ્દો છંછેડાતા વાહનચાલકો અને શહેરનાં લોકોમાં ટોલ પ્લાઝાના સંચાલન અને હાઇવે ઓથોરિટી સામે ભયંકર રોષ ફાટી નીકળ્યો છે.






















