Hun To Bolish | હું તો બોલીશ | પ્રસાદને વહેંચો, વેચશો નહીં
લાખો કરોડો લોકોના આસ્થાના કેન્દ્રસમા તિરૂપતિ તિરૂમાલા મંદિરના પ્રસાદના લાડુમાં પ્રાણીની ચરબી અને માછલીનું તેલ મળી આવ્યું. આ પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચાતો હતો. એટલું જ નહીં ભગવાનને પણ ધરાવવામાં આવતો હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સમગ્ર મુદ્દે ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો. કે અગાઉની જગન મોહન રેડ્ડીની સરકાર YSR કોંગ્રેસે 2019થી 2024 દરમિયાન પ્રસાદના લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. જો કે જગનમોહન રેડ્ડી સરકારે આ તમામ આરોપોને ફગાવી દીધા...અને તેને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું. તો બીજી તરફ આ મુદ્દે આજે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ પહેલા સરકારે પોલીસ અધિકારી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના નેતૃત્વમાં એક SITનું ગઠન કર્યું છે. જે ભેળસેળ મુદ્દે તપાસ કરી રહી છે.
મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના લાડુ પ્રસાદનો વિવાદ સામે આવ્યો છે. પ્રસાદનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મંદિરના પ્રસાદમાં ઉંદરના બચ્ચાં મળી આવ્યા. વીડિયોમાં પ્રસાદનું કેરેટ દેખાય છે તેમાં પ્રસાદના પેકેટ છે. કેરેટના એક ખૂણામાં પ્રસાદ વચ્ચે ઉંદરના બચ્ચાં દેખાય છે. વીડિયો સામે આવ્યા બાદ સિદ્ધિ વિનાયક ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ સદા સરવણકરે પ્રસાદની શુદ્ધતા અંગે પ્રતિક્રિયા આપી. ટ્રસ્ટે કહ્યું કે, જે વીડિયો વાયરલ થયો છે તે સિદ્ધિ વિનાયક મંદિરનો નથી. અમારી ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે....આ મુદ્દે પોલીસ ફરિયાદ કરીશું.
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં અપાતી લાડુની પ્રસાદીની તપાસ કરવાની માંગ ઉઠી છે. આ માગ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ મંદિરના જ પુજારીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને કરી છે. ડાકોરના રણછોડરાયજી મંદિરના પુજારીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી, જેના કમેન્ટ સેક્શનમાં લાડુ પ્રસાદીનો વીડિયો પણ અપલોડ કરાયો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, પહેલા ડાકોર મંદિરમાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, ત્યારે મહિના સુધી લાડુને કંઈ થતું ન હતું. અત્યારના ઘીથી લાડુમાં ચાર-પાંચ દિવસમાં જ વાસ આવવા માંડે છે અને લાડુ વળતા પણ નથી. સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે ડાકોર મંદિરના સેવક ટ્રસ્ટી ભરત ખંભોળજાએ તમામ આરોપોને નકાર્યા છે. ભરતભાઈએ કહ્યું કે, મંદિરમાં વપરાતી તમામ સામગ્રીની ચોક્કસ ચકાસણી થતી જ હોય છે. લાડુ પ્રસાદમાં વપરાતા ઘઉં મધ્યપ્રદેશથી આવે છે. લાડુ પ્રસાદમાં વપરાતું ઘી દેશની વિખ્યાત ડેરી અમુલમાંથી આવે છે.