Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા. જેની માયાજાળમાં કેટલાક ક્રિકેટરો પણ આર્કષાયા હતા. CID ક્રાઈમની તપાસમાં ખુલ્યું કે પાંચ થી છ ક્રિકેટરે BZ ગ્રુપની સ્કીમમાં રોકાણ કર્યું છે. હાલ તો CID ક્રાઈમ ક્રિકેટરોનો રોકાણ અંગે તપાસ કરી રહી છે. તો CID ક્રાઈમની તપાસમાં એ પણ ખુલ્યું કે, મહાઠગના એજન્ટો રોકાણકારોને ફરિયાદ કરવાની ના પાડી રહ્યા છે. CID ક્રાઈમને ભૂપેન્દ્રસિંહની કુલ 22 સંપત્તિ મળી આવી છે. જેને ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાશે. CID ક્રાઈમે રોકાણકારોને અપીલ કરી છે કે, તેઓ એજન્ટ અથવા ભૂપેન્દ્રસિંહની માહિતી આપે. રોકાણકારો મોટા ભાગે શિક્ષકો હોવાનું સામે આવ્યું છે.
આ શિક્ષક દંપતીને શોધી રહી છે પોલીસ. આરોપ છે કરોડોની છેતરપિંડી કર્યાનો. કનૈયાલાલ પટેલ અને તેમના પત્ની સુધાબેન પટેલ અમદાવાદના દેત્રોજ તાલુકાના શોભાસણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા. 25 દિવસ પહેલાં ફરિયાદ નોંધાતા બંને ફરાર છે. આરોપ છે કે, આરોપી શિક્ષક દંપતીએ લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવ્યું અને ચૂનો ચોપડ્યો. ભોગ બનનારાઓમાં મોટાભાગના શિક્ષકો જ છે. મહેસાણાના કડીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જ્યોત્સાબેન પટેલનો આરોપ છે કે, તેમની સાથે પણ 6 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે. આરોપી શિક્ષક દંપતીએ અંદાજે 200 કરોડનું કૌભાંડ કર્યું હોવાની ચર્ચા છે. પોલીસે આ કેસમાં ગુજરાત પબ્લિક ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટ નામની કલમ ઉમેરી છે. કેસની તપાસ માટે પોલીસની ત્રણ ટીમો બનાવાઈ છે. તેમજ ગાંધીનગર CID ક્રાઈમ પણ તપાસ કરી રહી છે. અત્યારસુધીમાં 15થી વધુ શકમંદોની પૂછપરછ કરી નિવેદન લેવાયા છે.