Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEO
બેદરકારીના કારણે સરકારી અનાજને વ્યાપક નુકસાન. અમદાવાદના વિરમગામમાં ટેકાના ભાવે સરકારે ખરીદેલી ડાંગર પલળી જતાં થયું બે કરોડ 15 લાખથી વધુનું નુકસાન. વરસાદનું પાણી ઘુસી જતાં પલળેલી ડાંગરના કારણે જનતાના ટેક્સના રૂપિયા ગયા પાણીમાં.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે કરોડો રૂપિયાનું સરકારી અનાજ બગડ્યું છે. સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી ડાંગરની સ્થિતિ જોઈ તમારુ લોહી ઉકળી ઉઠશે. રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં ગોડાઉનમાં રાખેલા સરકારી અનાજનો જથ્થો પલળી ગયો. ગોડાઉનમાં પાણી ઘૂસવાના કારણે ડાંગરની બોરી પલળી અને તેના કારણે તે જથ્થો સડી ગયો છે.
અધિકારીઓની ગંભીર બેદરકારી એ છે કે ગોડાઉન ભાડે રાખતી વખતે તે અનાજની સલામતી માટેના પાસાઓ ચકાસતા નથી. પરિણામે રાજ્યની પ્રજાના ટેક્સના પૈસે ખરીદેલું અનાજ સડી ગયું. જેમાં નાણાં અને અનાજ બંનેનું નુકશાન થયું છે. સરકારી રિપોર્ટ પ્રમાણે વિરમગામના ભાડે રાખેલા 3 ગોડાઉનમાં રાખેલી ડાંગરમાં અંદાજિત રૂપિયા 215 લાખનું નુકશાન થયું છે. હવે આ ડાંગરના જથ્થાને વિરમગામના ગોડાઉનમાંથી ખેસેડીને સાણંદના ગોડાઉનમાં ખસેડવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયા પાછળ સરકારને વધુ રૂપિયા 33 લાખ 10 હજારનો ખર્ચ થશે.