Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત
Amit Shah | ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માણસાને મેડિકલ કોલેજ આપવાની મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ઋષિકેશભાઈને હું એક બીજી જવાબદારી આપી દઉં, એમાં એમને પૈસા નથી ખર્ચવાના , પણ મંજૂરી લાવવામાં મદદ કરવાની છે. માણસામાં આવતા ડિસેમ્બર પહેલા એક મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ આપણે કરીશું. આજ હોસ્પિટલની સાથે એટેચ મેડિકલ કોલેજ આવે છે. આપણી સાયન્સ કોલેજના પ્રિમાઈસીસમાં જ બનાવવાનું કામ નક્કી થઈ ગયું છે. એની ડિઝાઇન પણ આજ સવારે હું જોઈને આયો છું અને એના માટેના દાતાઓ પણ નક્કી કરી દીધા છે. જેવી આ હોસ્પિટલ અડધી બની ગઈ, આપણે કોલેજ બનાવવાનું ચાલુ કરીશું. હોસ્પિટલ અને કોલેજ બે એક સાથે બનશે અને માણસામાં મેડિકલ કોલેજ બનાવવાની શરૂઆત થશે. નરેન્દ્રભાઈએ આપણા દેશની અંદર મેડિકલ સાયન્સ સ્થાનીય ભાષાઓમાં ભણાવવાની શરૂઆત કરી હતી. હું જ મધ્યપ્રદેશમાં હિન્દીમાં મેડિકલ કોર્સનું ઉદ્ઘાટન કરીને આયો હતો અને આજે મધ્યપ્રદેશમાં 40 થી વધારે કોલેજો હિન્દીમાં બાળકોને મેડિકલ વિજ્ઞાન ભણાવે છે. હું આજે તમને કહીને જઉં છું કે આ મેડિકલ કોલેજ જે વખતે બનીને પૂરી થશે અને એનું બીજું કે ત્રીજું આવશે ત્યાં સુધીમાં ગુજરાતીમાં પણ મેડિકલ ભણાવવાની વ્યવસ્થા આપણે આપણા મધ્યમ વર્ગના બાળકો, ગરીબ વર્ગના બાળકો, ગુજરાતી માધ્યમમાં ભણેલા બાળકો, ગુજરાતીની અંદર ડોક્ટર બને, એમબીબીએસ બને, એમડી બને, એમએસ બને અને રિસર્ચનું કામ કરે ત્યાં સુધીની આખી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સરકારે વિચારી છે ભાઈઓ. અને મને કહેતા આનંદ થાય છે કે એની શરૂઆત આપણા માણસાથી થવાની છે.