Abp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી મનોરંજન ક્ષેત્રે હિતેન કુમારને સન્માનિત કરાયા
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીના રામ. સુપરસ્ટાર અને દિગ્ગજ અભિનેતા હિતેનકુમાર. સુરતના તોરણ ગામમાં જન્મેલા હિતેનકુમારનું નામ સાંભળતા જ સૌપ્રથમ મનમાં આવે જ 1998માં આવેલી 'દેશરે જોયા દાદા પરદેશ રે જોયા' ફિલ્મ. 15-20 રૂપિયા ટિકીટના દર અને 40-45 લાખમાં બનેલી આ ફિલ્મે 22 કરોડનો વકરો કરી ઈતિહાસ સર્જ્યો ત્યારે કોઈને અંદાજ નહોતો કે રામ-રાધાની લવસ્ટોરી, ડસકા ખાતી ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં નવા પ્રાણ પુરશે. આ ફિલ્મે ગુજરાતી ફિલ્મોમાં ખલનાયક બનવા મુંબઈથી ગુજરાત આવેલા હિતેન મહેતાને બનાવ્યા રોમેંટીક હીરો હિતેન કુમાર. 1998માં જ આવેલી ઉંચી મેડીના ઉંચા મોલ ફિલ્મમાં ખલનાયક તરીકે શરૂઆત કરનાર હિતેનકુમાર હીરો તરીકે દર્શકોના મનમાં એવા વસ્યા કે તેમની ફિલ્મ્સ વર્ષો સુધી થિયેટર્સ ભરચક રાખતી. ત્યારબાદ એક પછી એક 'ચૂંદડી ઓઢાડો હો રાજ', 'પાંદડું લીલું ને રંગ રાતો','ગામમાં પિયરયું ને ગામમાં સાસરિયું', 'મૈયરમાં મનડું નથી લાગતું' જેવી અનેક ફિલ્મ્સ આવી. હિતેનકુમારની 2023માં આવેલી ફિલ્મ વશની બૉલિવુડમાં રિમેક બની. દેમાં આર.માધવને તેમનું પાત્ર ભજવ્યું. 70થી વધુ નાટકો અને 100થી વધુ ફિલ્મ આપી ચૂકેલા હિતેન કુમારના મનોરંજન ક્ષેત્રે યોગદાન બદલ તેમને અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.