અમરેલીના આ ખેડૂતે કરી તરબૂચની ખેતી, એક જ વર્ષમાં કરોડથી વધુની આવક
અમરેલી જિલ્લાના છેવાડાના ગામ બોરડીના આઠ ચોપડી ભણેલા ખેડૂત મધુભાઈ સાવલીયાએ તરબૂચની ખેતી કરીને કરોડોનું ઉત્પાદન મેળવીને પોતાની ખેતી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનાવી છે. અમરેલી જિલ્લા ખેતી આધારિત જિલ્લો છે. આ જિલ્લામાં મુખ્ય વાવેતર કપાસ મગફળી જુવાર બાજરી ઘઉં ચણાનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે બોરડી ગામના ખેડૂત મધુભાઈએ 55 એકરમાં પ્રથમવાર તરબૂચની ખેતી કરી છે અને મોટા પ્રમાણમાં તરબૂચનું ઉત્પાદન મેળવ્યું છે. હાલ મધુભાઈના તરબૂચનું જમ્મુ કાશ્મીર દિલ્લી ચદીગઢ લુધિયાણા સહિતના રાજ્યોમાં વેચાણ થઇ રહ્યું છે.
એક એકરે ખેડૂત મધુભાઈ 35 થી 40 ટનનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તરબૂચની ખેતી પાછળ ખેડૂતે એક એકરે સવા લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે તેની સામે ત્રણથી સવા ત્રણ લાખનું ઉત્પાદન મેળવી રહ્યાં છે. તેની સામે 500 ઉપરાંત મજુરોને રોજગારી પણ આપી રહ્યા છે. આઠ ચોપડી ભણેલા મધુભાઈ 55 એકરમાં તરબૂચની ખેતી કરીને દોઢથી બે કરોડ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.