Kutch Rain : કચ્છમાં અનરાધાર વરસાદ, નદી-નાળા છલકાયા, સ્કૂલોમાં રજા જાહેર
Kutch Rain : કચ્છમાં અનરાધાર વરસાદ, નદી-નાળા છલકાયા, સ્કૂલોમાં રજા જાહેર
કચ્છના નખત્રાણાના મોડી રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. સવારના 4 થી 6 માં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદથી નખત્રાણા પાણી પાણી થયું હતું. તાલુકાના ગ્રામ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની બજારો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નખત્રાણા-ભૂજ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની કેટલીક ખાનગી શાળાઓએ સલામતીના ભાગરૂપે આજે રજા જાહેર કરી હતી.
કચ્છ જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાપર, માંડવી અને મુંદ્રા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભૂજ, ખાવડા, રાપર અને વાગડ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. રાપરના ગેડી, સઈ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ખાવડાના કોટડા, ધ્રોબાણા, માંડવીના રાજપર, પદમપૂર, ભૂજના સુખપર, માનકુવા સહિતના ગામમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ભૂજમાં મોટા બંધમાં પાણીની આવક થઇ રહી છે.
નવસારી જલાલપોરમાં સ્કૂલ-કોલેજોમાં આજે રજા
ભારે વરસાદને પગલે નવસારી શહેર અને જલાલપોરમાં શૈક્ષણિક કાર્ય બંધની જાહેરાત કરાઇ હતી.નવસારી-જલાલપોરમાં શાળા-કોલેજ અને આંગણવાડીમાં આજે જાહેર રજા જાહેર કરાઇ હતી. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા પ્રશાસને નિર્ણય લીધો હતો. ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ઉપરવાસમાં વરસાદથી પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો હતો.પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી હતી. નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
કાછિયા વાડી, ગધેવાન, રિંગરોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. શાંતાદેવી રોડ સહિતના વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા હતા. નદીના પાણીથી શહેરમાં અનેક માર્ગો બંધ થયા હતા. પૂર્વ-પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. હાલમાં નદીનું જળસ્તર ઘટતા પ્રશાસને રાહતનો દમ લીધો હતો. નવસારી શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2.83 ઈંચ, જલાલપોર તાલુકામાં 1.83 ઈંચ, ગણદેવી તાલુકામાં 2.54 ઈંચ, ચીખલી તાલુકામાં 2.66 ઈંચ, ખેરગામ તાલુકામાં 1.83 ઈંચ, વાંસદા તાલુકામાં 3.75 ઈંચ વરસાદ વરસ્યો હતો.




















